
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશની ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા(FSSAI) એ બજારમાં વેચાઈ રહેલા સિન્થેટિક પનીર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. ઓછા પોષણવાળું આ પનીર સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એને ગ્રાહક સુરક્ષા માટે બજારમાંથી દૂર કરવામાં આવશે. આ બાબત સાથે સંકળાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક ઉચ્ચ સ્તરની સમિતિએ ઓક્ટોબર ૨૦૨૫ માં આ પ્રસ્તાવ તૈયાર કર્યો હતો અને માર્ચ ૨૦૨૬ માં એક બેઠકમાં એને સત્તાવાર રીતે મંજૂરી આપવામાં આવી હતી.
સમિતિનો તર્ક છે કે ભારત વિશ્વનો સૌથી મોટો ડેરી ઉત્પાદક દેશ હોવા છતાં અહીં સસ્તા અને ભેળસેળ યુક્ત કુત્રિમ પનીરનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે. એ દેખાવમાં અને સ્વાદમાં વાસ્તવિક પનીર જેવું જ છે જે ગ્રાહકોને મૂંઝવણમાં મૂકે છે. આરોગ્ય નિષ્ણાંતો એ ચેતવણી આપી છે કે સિન્થેટિક પનીરમાં નજીવું પ્રોટીન અને વધુ પડતી ચરબી હોય છે. એના નિયમિત સેવનથી ટાઇપ- ટુ ડાયાબિટીસ અને અન્ય ગંભીર રોગો થઈ શકે છે. સરકાર દ્વારા આ કડક પગલાંથી ડેરી ઉદ્યોગમાં પારદર્શિતા આવશે અને સામાન્ય લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે એવી અપેક્ષા છે.
દેશમાં આશરે ૧૦૦૦ કંપનીઓ પાસે સિન્થેટિક પનીર બનાવવા માટે લાયસન્સ છે. નવી નીતિ હેઠળ કોઈ નવું લાઇસન્સ જાહેર કરવામાં આવશે નહીં અને હાલની કંપનીઓને તેમનો સ્ટોક ખાલી કરવા અને ઉત્પાદન બંધ કરવા માટે પૂરતો સમય આપવામાં આવશે.
બજારમાં સિન્થેટિક પનીરની માંગ ઝડપથી વધી છે કારણ કે એ એક સસ્તો વિકલ્પ છે. એ મુખ્યત્વે તાજા દૂધને બદલે પામતેલ,દૂધનો પાઉડર, સ્ટાર્ચ અને ઇમલ્સિ ફાયરના મિશ્રણમાંથી બનાવવામાં આવે છે. વાસ્તવિક બ્રાન્ડેડ પનીર ૪૫૦ રૂપિયા એક કિલો સુધી વેચાય છે ત્યારે સિન્થેટિક પનીર ૨૫૦ થી ૩૦૦ રૂપિયામાં મળે છે. એનો ઉપયોગ રેસ્ટોરન્ટ અને ઢાબાઓમાં વ્યાપકપણે થાય છે જે ગ્રાહકો સાથે છેતરપિંડી સમાન છે.





