દેશની રાજધાની નવી દિલ્હીમાં જંતર-મંતર પર થયેલા આંદોલન મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, દિલ્હીમાં એકઠા થયેલા લાખો ‘GenZ’ (આજની પેઢીના) યુવાનોને ન તો પોલીસ ડરાવી શકી છે, ન કોઈ તાનાશાહ ડરાવી શક્યા છે. દેશના યુવાનોએ ૨૦ જુલાઈના દિવસને એક ઐતિહાસિક દિવસ બનાવી દીધો છે. પેપર લીકની આ ગંભીર સમસ્યાથી આજે દેશના કરોડો લોકો પીડિત બન્યા છે. ઓફિશિયલી ૨૨ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય, તો મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન સહિત પરિવારના સભ્યોને ગણીએ તો એક કરોડથી વધુ લોકોના ઘરમાં પેપર લીકનો આતમછાયો આઘાત પ્રસરી ગયો છે. ભાજપે ગુજરાત અને દેશમાં સતત પરીક્ષાઓના પેપર ફોડ્યા છે. સરકાર ચલાવવામાં કાં તો તેઓ સદંતર અણઆવડત ધરાવે છે અથવા તો પોતાના મળતિયાઓને સરકારી તંત્રમાં ફિટ કરવા માટે આ આખું ષડયંત્ર રચીને પેપર લીક કરવામાં આવે છે. સત્તામાં બેઠેલો વ્યક્તિ ગમે તેટલો સગો હોય, ઈશ્વરને સાક્ષી રાખીને પ્રજાહિતમાં રાજ કરવું જોઈએ અને ખોટું કરનારને ક્યારેય ચલાવી ન લેવાય. અત્યાર સુધીમાં ૨૫ જેટલા પેપર ફૂટ્યા હોવા છતાં કોઈ કૌભાંડીને કડક સજા થઈ નથી. પોતાના મળતિયાઓને એમબીબીએસ કે નોકરીઓમાં ઘુસાડવા માટે આખા દેશના તેજસ્વી દીકરા-દીકરીઓના ભવિષ્યની બલી ચડાવી દેવાઈ છે. આટલો મોટો ડાઘ લાગ્યા પછી મંત્રી કે જવાબદારોએ પદ પરથી હટી જવું જોઈએ, પરંતુ તેના બદલે સોનમ વાંગચુક કે જે પણ લોકો આ ભાજપ સરકારની નીતિઓનો વિરોધ કરે છે, તેમને પહેલાથી જ દેશદ્રોહી સાબિત કરવા અથવા વિદેશી ફંડિંગ મેળવતા હોવાના ખોટા આરોપો લગાવવામાં આવે છે. ખેડૂતો આંદોલન કરે તો તેમને ખાલિસ્તાની ચીતરવામાં આવે છે. દેશના તેજસ્વી ભવિષ્ય માટે કોઈ વ્યક્તિ ૨૧-૨૧ દિવસ સુધી અનશન પર ઉતરે અને માત્ર એક શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગે, ત્યારે રાજીનામું લેવાને બદલે લાખો પોલીસ, સીઆરપીએફ અને આર્મીના જવાનોને ખડકી દઈને આખી સિસ્ટમ ઠપ કરી દેવામાં આવે છે.
’આપ’ નેતા ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ હતુ કે સત્તાના અહંકારમાં ડૂબેલા નેતાઓએ એ યાદ રાખવું જોઈએ કે આખા વિશ્વ પર રાજ કરનારો સિકંદર (એલેક્ઝાન્ડર) પણ જ્યારે મર્યો ત્યારે તેના બંને હાથ ખાલી હતા. અંધભક્તિમાં ડૂબેલા લોકોએ સમજવું પડશે કે પ્રજાના હક અને અધિકાર માટે ઈશ્વરને સાક્ષી રાખીને પ્રજાહિતમાં નિર્ણય લેવા જ પડશે. વર્ષ ૨૦૧૪ પહેલા નાની વાતોમાં ટ્વિટ કરનારા ફિલ્મ સ્ટારો કે ક્રિકેટરો આજે દેશના યુવાનો પર થતા અત્યાચારો વખતે ક્યાંય દેખાતા નથી. ગુજરાતમાં જ્યારે પેપર લીક થયું ત્યારે આમ આદમી પાર્ટીએ કમલમનો ઘેરાવ કરીને મોટો વિરોધ પ્રદર્શન કર્યો હતો. હવે અદાલતોમાં તારીખો પર તારીખો પડતી રહેશે, કેસો ચાલતા રહેશે અને સરકારી વકીલો બચાવ કરતા રહેશે, તેનાથી કોઈ સાચો ઉકેલ નહીં આવે. જો આ વ્યવસ્થા બદલવી હોય તો જનતાએ પોતે જાગૃત થવું પડશે. ભાજપના પેજ પ્રમુખો અને બૂથ પ્રમુખોએ પણ પોતાની આત્મા જગાડવાની જરૂર છે. આપણે સામાન્ય દિવસોમાં સગાવાદ અને જ્ઞાતિવાદમાં આવી જઈએ છીએ, પરંતુ મતદાનના દિવસે આ અન્યાયનો બદલો લેવાનું ભૂલી જઈએ છીએ. જે દિવસે મતદાન હોય તે દિવસે દરેક નાગરિકે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં પોતાના પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્ર વર્તુળ પાસે ૧૦૦ ટકા મતદાન કરાવીને આ સત્તાધીશોને જડબાતોડ જવાબ આપવો પડશે. ટીવી સામે બેઠેલા કરોડો યુવાનો કોઈ પાકિસ્તાન કે ચીનના નથી, આપણા પોતાના દેશના છે અને તેમના પર લાઠીચાર્જ કરાવનારી સરકારને ચૂંટણીના દિવસે સબક શીખવવો જ પડશે. અમે વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ ચૂક્યા નથી, હવે ચૂંટણીના દિવસે તમારે પણ એક જાગૃત નાગરિક તરીકે તમારી ફરજ ચૂકવાની નથી.





