
જયશંકરે UN માં તાત્કાલીક સુધારો કરવાની કરી માંગ,સંયુક્ત રાષ્ટ્ર હજુ ૧૯૪૫માં જીવી રહ્યું છે : જયશંકર.તેમણે કહ્યું કે, ‘યુએન શાંતિ મિશનની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે.ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે બુધવારે નવી દિલ્હીમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર સૈન્ય યોગદાન આપતા દેશોના સંમેલનમાં ભાગ લીધો હતો. અહીં તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં તાત્કાલિક સુધારાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, આજનું સંયુક્ત રાષ્ટ્ર હજુ પણ ૧૯૪૫ની પરિસ્થિતિની જેમ કામ કરી રહ્યું છે. વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવા પર ભાર મૂકતાં વિદેશ મંત્રીએ કહ્યું કે ‘૮૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની સંખ્યા ચાર ગણી વધી છે. તેથી તેણે વિકાસશીલ દેશોનો અવાજ બુલંદ કરવો જાેઈએ અને તેના પર જ તેમની વિશ્વસનીયતા ટકી છે. જે સંસ્થાઓ ફેરફાર લાવવામાં નિષ્ફળ જાય છે, તેમના પર વિશ્વસનીયતાનું જાેખમ વધે છે. સંયુક્ત રાષ્ટ્રને અસરકારક બનાવવી હોય તો તેને સુધારવી પડશે.’
તેમણે કહ્યું કે, ‘યુએન શાંતિ મિશનની સ્થાપના થઈ, ત્યારથી અત્યાર સુધીમાં ભારતે મોટું યોગદાન આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્રના શાંતિ મિશનમાં અત્યાર સુધીમાં વિશ્વના ચાર હજારથી વધુ સૈનિકો સામેલ થયા છે, જેમાં ભારતના ૧૮૨ શાંતિ સૈનિકો પણ સામેલ છે. આ શાંતિ સૈનિકો માનવીય મદદ કરવા માટે પોતાના જીવ જાેખમમાં નાખે છે. આ સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.’
વિદેશ મંત્રીએ સંયુક્ત રાષ્ટ્રને સલાહ આપી છે કે, જે દેશોમાં શાંતિ સેના મોકલવામાં આવે છે, જે દેશોના સૈનિકો તે શાંતિ સેનામાં હોય છે, તે દેશો સાથે પણ શાંતિ અભિયાન અંગે ચર્ચા-વિચારણા કરવી જાેઈએ.




