
૩૫ લાખ ભક્તો ઉમટવાની શક્યતા.ખાટૂશ્યામ લક્ખી ફાલ્ગુન મેળાનો પ્રારંભ થયો.મેળાની સુરક્ષા માટે ૪,૪૦૦ પોલીસકર્મીઓ અને ૧,૦૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે સમગ્ર મેળા વિસ્તારને ૨૨ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યો છે.રાજસ્થાનના સીકર જિલ્લામાં સ્થિત વિશ્વવિખ્યાત ખાટૂશ્યામ મંદિર ખાતે આજથી (શનિવાર) ફાલ્ગુન મેળાનો ભવ્ય પ્રારંભ થયો છે. ૨૧ ફેબ્રુઆરીથી ૨૮ ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ૮ દિવસીય મેળામાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ બાબા શ્યામના દર્શને ઉમટી રહ્યા છે. રીંગસથી ખાટૂ સુધીનો આખો માર્ગ કેસરીયા ધજાઓ અને ભક્તિ સંગીતથી ગુંજી ઉઠ્યો છે.
મેળાના આયોજન સાથે જાેડાયેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વર્ષે મેળામાં આશરે ૨૮ થી ૩૫ લાખ શ્રદ્ધાળુઓ પહોંચે તેવી શક્યતા છે. ખાસ કરીને ૨૪ થી ૨૮ ફેબ્રુઆરી દરમિયાન ભારે ભીડ રહેવાની સંભાવના છે, જેમાં માત્ર આ ચાર દિવસમાં જ ૧૫ લાખ ભક્તો ઉમટી શકે છે.
ભીડને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લખદાતાર અને મોદી ગ્રાઉન્ડમાં ભક્તોની વ્યવસ્થા જાળવવા માટે ખાસ ઝિગ-ઝેગ બેરિકેડિંગની સુવિધા ઉભી કરવામાં આવી છે. મંદિર સુધી પહોંચવા માટે કુલ ૧૪ અલગ-અલગ કતારો નક્કી કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓ કોઈપણ અડચણ વગર ઝડપથી અને સરળતાથી દર્શન કરી શકે. વધુમાં, ટ્રાફિક અને ભીડના વ્યવસ્થાપન માટે તમામ વાહનોને મંદિરથી ૩ કિમી દૂર રોકી દેવામાં આવ્યા છે, જેના કારણે ભક્તોએ દરબારમાં પહોંચવા માટે અંદાજે ૫ થી ૮ કિમીની પદયાત્રા કરવી પડશે.
શ્રદ્ધાળુઓની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો માટે ૧ કરોડ પાણીના પાઉચ, કિન્નુના ૧૦૦૦ ટોપલા અને લેમન ટોફીના વિતરણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. વાહન વ્યવસ્થાપન માટે ૫૨ વીઘા જેટલા વિશાળ વિસ્તારમાં પાર્કિંગની સગવડ ઉભી કરવામાં આવી છે, જ્યાં અંદાજે ૨૫૦૦૦ જેટલા વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત, શ્રદ્ધાળુઓને તમામ જરૂરી સુવિધાઓ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી “શ્યામ સારથી” નામની વિશેષ મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે, જે દર્શનાર્થીઓ માટે ખૂબ જ મદદરૂપ સાબિત થશે.
મેળાની સુરક્ષા માટે ૪,૪૦૦ પોલીસકર્મીઓ અને ૧,૦૦૦ હોમગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે. સમગ્ર મેળા વિસ્તારને ૨૨ સેક્ટરોમાં વહેંચવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય સુવિધા માટે ૧૪ કેમ્પ, ૮૦ ડોક્ટર્સ અને ૩૦ એમ્બ્યુલન્સ રાત-દિવસ સેવામાં હાજર રહેશે.




