
સરકારનો મોટો આદેશ હવે નવા સ્માર્ટફોન્સમાં ઈન્સ્ટોલ હશે સરકારી એપે તમામ મોબાઇલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે ફોનમાં સરકારી સાઇબર સુરક્ષા એપ ‘Sanchar Sathi’ ને પ્રી-લોડ કરીને વેચે
ભારત સરકારે વધતા સાયબર ખતરાઓ અને મોબાઇલ ચોરીના બનાવને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. ET Telecomના રિપોર્ટ મુજબ, સરકાર તરફથી તમામ મોબાઇલ કંપનીઓને આદેશ આપવામાં આવ્યો છે કે તે પોતાના નવા ફોનમાં સરકારી સાઇબર સુરક્ષા એપ ‘Sanchar Sathi’ ને પ્રી-લોડ કરીને વેચે. નોંધનીય છે કે, આ એપ ચોરી થયેલા મોબાઈલને શોધવામાં, ફેક IMEI નંબરને ઓળખવામાં અને ફેક કૉલ્સની માહિતી મેળવવામાં મદદ કરે છે. સરકારી આંકડા મુજબ આ એપની મદદથી લાખો ચોરી થયેલા ફોન પાછા મળી ચૂક્યા છે. જાેકે, આ આદેશ એપલ જેવી કંપનીઓને પસંદ નથી આવ્યો, કારણ કે એપલની પૉલિસી મુજબ તે કોઈ પણ પ્રી-લોડેડ એપ ફોનમાં ઇન્સ્ટૉલ કરીને વેચતી નથી.
૨૮ નવેમ્બરે સરકારે આદેશ જાહેર કર્યો છે કે ભારતમાં બનતા અને વેચાતા તમામ સ્માર્ટફોનમાં ‘સંચાર સાથી એપ પહેલેથી ઇન્સ્ટોલ હોવી જાેઈએ અને યુઝર તેને ડિલીટ પણ નહીં કરી શકે. ET Telecomના રિપોર્ટ મુજબ, આ બદલાવ લાગુ કરવા કંપનીઓને ૯૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે. હવે કંપનીઓની ચિંતા વધી છે અને તેમનું કહેવું છે કે આ બાબતે તેમની સાથે કોઈ ચર્ચા કરવામાં આવી નથી.
રિપોર્ટ મુજબ, મોબાઇલ ચોરી, નકલી IMEI નંબર, ફેક કૉલ અને સાઇબર ફ્રેડના કેસ સતત વધી રહ્યા છે. આ સરકારી એપની મદદથી યુઝર્સ ચોરી થયેલો ફોન બ્લૉક કરાવી શકે છે, શંકાસ્પદ કોલની માહિતી આપી શકે છે અને IMEI નંબર સાચો છે કે ખોટો તે પણ ચકાસી શકે છે. સરકારનો દાવો છે કે આ એપ દેશવ્યાપી મોબાઇલ સુરક્ષાને મજબૂત બનાવે છે અને ગુનેગારો માટે ચોરીના ફોન વેચવા મુશ્કેલ બનાવે છે.
આ એપની શું છે ખાસિયત?
– આ વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ થયેલી આ એપ ૫૦ લાખથી વધુ વખત ડાઉનલોડ થઈ ચૂકી છે.
– સરકારી આંકડા જણાવે છે કે, આ એપની મદદથી ૩.૭ મિલિયનથી વધારે ચોરી કે ગુમ થયેલા ફોન બ્લૉક કરવામાં આવ્યા છે.
– ઓક્ટોબર મહિનામાં જ આ એપ્લિકેશનની મદદથી ૫૦,૦૦૦ સ્માર્ટફોન શોધી કાઢવામાં આવ્યા છે.
– આ ઉપરાંત આ એપની મદદથી ૩૦ મિલિયનથી વધારે ફેક મોબાઈલ કનેક્શન પણ બંધ કરાયા છે.
ભલે આ આદેશ બાદ સ્માર્ટફોન કંપનીઓની ચિંતાઓ વધી ગઈ હોય, પરંતુ ચાલો જાણીએ આ ર્નિણયની તમારા પર શું અસર પડશે. ખરેખર સ્માર્ટફોન કંપનીઓ પોતાના ફોનમાં પહેલેથી જ પ્રી-લોડેડ એપ્સ આપતી આવી રહી છે. એવામાં ફોનમાં વધુ એક એપ સામેલ થઈ જવાથી તમને વધારે કોઈ ફરક નહીં પડે.
આ ઉપરાંત આ એપને લોકો સાયબર ખતરાથી સુરક્ષિત રહેવા માટે જાતે ડાઉનલોડ કરીને પણ ઉપયોગ કરી શકે છે. આ એપ ચોરી થયેલા ફોનને પાછો મેળવવામાં, નકલી નંબરની ફરિયાદ કરવામાં અને શંકાસ્પદ નંબર ચકાસવામાં ખૂબ ઉપયોગી છે. એટલે સરકારના આ ર્નિણયથી તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.




