
મોદીએ ખુલ્લા દિલથી કર્યું ટ્રમ્પની પીસ ડીલનું સ્વાગત હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સંઘર્ષને કારણે વિશ્વભરમાં ગંભીર આર્થિક ઉથલપાથલ થઈ છે : ભારતને આશા છે કે, આ કરારના અમલીકરણથી શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત કરવામાં મદદ મળશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ સમજૂતી પર પહેલી પ્રતિક્રિયા આપી છે. આમાં તેમણે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા અંગે બનેલી આ સમજણનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ઠ)ના માધ્યમથી આ પગલાની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, ‘હું અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે બનેલી સમજણનું સ્વાગત કરું છું. આ સંઘર્ષના કારણે આખી દુનિયામાં ગંભીર આર્થિક અવરોધો ઊભા થયા અને કેટલાય દેશોમાં લોકોએ જીવ ગુમાવ્યા છે.’ પીએમ મોદીએ કહ્યું કે, સંઘર્ષનો અંત લાવવા માટે આ કરારને આવકારીએ છીએ. હવે ટકાઉ અને અંતિમ સમજૂતીની આશા છે.
પીએમ મોદીએ આ સાથે જ પશ્ચિમ એશિયામાં શાંતિની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ‘નવી સમજણના અસરકારક અમલીકરણથી ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા પુન:સ્થાપિત થવાની આશા છે. સાથે જ આ દરિયાઈ માર્ગો પર અવરોધ વિનાની અવરજવર અને વૈશ્વિક વેપારને સુરક્ષિત રાખવામાં પણ મદદરૂપ સાબિત થશે.’
પીએમ મોદીના નિવેદનની સૌથી મહત્વની વાત હોર્મુઝ સ્ટ્રેટને લઈને રહી છે. તેમણે સ્પષ્ટ સંકેત આપ્યો કે ભારતને આશા છે કે આ સમજૂતી પછી દરિયાઈ માર્ગો પર સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત થશે અને વૈશ્વિક વેપાર કોઈ પણ અવરોધ વિના સતત ચાલુ રહી શકશે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ દુનિયાના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાંથી એક છે, જ્યાંથી વિશ્વભરમાં તેલ અને ગેસ સપ્લાયનો મોટો હિસ્સો પસાર થાય છે. આ યુદ્ધ દરમિયાન પહેલા તો ઈરાને હોર્મુઝ પર નાકાબંધી લગાવી દીધી હતી, પછી અમેરિકાએ અહીં બેવડી નાકાબંધીની જાહેરાત કરી હતી. આ કારણે દુનિયાભરના કેટલાય દેશોમાં તેલ અને ગેસ સપ્લાયની અછત સર્જાઈ હતી.
અમેરિકા અને ઈરાને હવે યુદ્ધ સમાપ્ત કરવા માટે એક પ્રારંભિક સમજૂતી પર સહમતિ દર્શાવી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આને પોતાની રાજદ્વારી સફળતા ગણાવતા એલાન કર્યું કે હવે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલી જશે. મળતી માહિતી મુજબ, પાકિસ્તાનની મધ્યસ્થતામાં થયેલી વાતચીત બાદ બંને દેશો યુદ્ધવિરામ પર સહમત થયા છે. આ સમજૂતી અંતર્ગત લેબનાન સહિત તમામ મોરચે સૈન્ય કાર્યવાહી રોકવા પર સહમતિ બની છે. ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે પણ સંકેત આપ્યા છે કે સૈન્ય કામગીરી કાયમી ધોરણે સમાપ્ત કરવામાં આવશે.
જાે કે, ઈરાનના પરમાણુ કાર્યક્રમ, પ્રતિબંધોમાં રાહત અને અન્ય વ્યૂહાત્મક મુદ્દાઓ પર હજુ વાતચીત બાકી છે. આ વિષયો પર ૬૦ દિવસના પ્રસ્તાવિત યુદ્ધવિરામ દરમિયાન ચર્ચા થવાની સંભાવના છે.
આ સમજૂતીના સમાચાર સામે આવ્યા બાદ વૈશ્વિક બજારોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા જાેવા મળી છે. કાચા તેલની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે એશિયાઈ શેરબજારોમાં તેજી જાેવા મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે જાે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં કાયમી ધોરણે સામાન્ય સ્થિતિ બહાલ થશે તો ઉર્જા બજારો પરનું દબાણ ઓછું થશે અને વૈશ્વિક અર્થતંત્રને રાહત મળશે.





