
RSSના વડા મોહન ભાગવતનું નિવેદન સમાજ માત્ર કાયદાથી નહીં, સંવેદનાથી ચાલે છે શતાબ્દી વર્ષના પ્રસંગે ભાગવતે કહ્યું કે, ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે દુનિયાને આ પોતાનાપણાનો સિદ્ધાંત શીખવશે
કર્ણાટકના બેંગલુરુમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ના કાર્યક્રમમાં આજે(શનિવાર) સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ દરમિયાન તેમણે સંઘને આખા વિશ્વનું સૌથી અનોખુ સંગઠન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આજે સંઘ ભારત સહિત કેટલાક દેશોમાં સમાજસેવાના કાર્ય કરી રહ્યું છે.
શતાબ્દી વર્ષના પ્રસંગે મોહન ભાગવતે કહ્યું કે, ભારત ત્યારે જ વિશ્વ ગુરુ બનશે જ્યારે તે દુનિયાને આ પોતાનાપણાનો સિદ્ધાંત શીખવશે.
તેમણે પ્રાચીન ભારતીય જ્ઞાન અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સમાનતાઓ જણાવતા કહ્યું કે, જેમ આપણી પરંપરા બ્રહ્મ કે ઈશ્વર કહે છે, તેને આજે વિજ્ઞાન યુનિવર્સલ કોન્શસનેસ કહે છે. સમાજ માત્ર કાયદાથી નહીં, સમાજ સંવેદનાથી ચાલે છે. આ વચ્ચે સમાજમાં પોતાનાપણાની ભાવનાને લઈને સતત જાગરુકતા રાખવી જરૂરી છે. આ જ પોતાનુંપણું સમાજને જાેડવાનું કામ કરે છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડૉ. હેડગેવારની સ્વતંત્રતાની લડાઈમાં ભાગીદારી રહી છે. બાળપણથી જ તેમણે પોતાના વિદ્યાલયમાં અંગ્રેજી અધિકારીનું સ્વાગત વંદે માતરમ્ થી કરવાની શરૂઆત કરી હતી. ડૉ. હેડગેવાર તે સમયે પણ વંદેમાતરમ્ અને ભારત માતા કી જય બોલવાનો લોકોને સંદેશ આપતા હતા. તેમનો આ સંદેશ બતાવે છે કે તેમણે ભારતને કેટલો પ્રેમ કર્યો હતો. તેઓ ધર્મની સાથો સાથ સમાજ સુધારક પણ હતા. આજે આપણા જનમાનસ રાજનીતિક રીતે સંગઠીત નથી રહ્યું. સામાન્ય વ્યક્તિને પણ રાજનૈતિક રીતે જાગૃત રહેવું જાેઈએ.
રાજનૈતિક જાગૃતિના કારણે સામાન્ય માણસમાં વંદેમાતરમ અને ભારત માતા કી જય બોલવાનું સાહસ આવ્યું. ભારત માતા કી જય અને તેના માટે સમસ્ત હિન્દૂ સમાજને એકજુટ કરવાનો સંઘનો એકમાત્ર ઉદ્દેશ્ય છે.
હિન્દુ હોવાનો અર્થ ભારત માતાના વંશજ અને ભારત માટે જવાબદાર બનવું છે. ભારત માટે લડનારા બધા હિન્દુ છે.
બધા મુસ્લિમો અને ખ્રિસ્તીઓના પૂર્વજાે પણ આ ભૂમિમાંથી આવ્યા હતા, તેથી તેઓ બધા પણ હિન્દુ છે. મુસ્લિમો પણ માને છે કે જ્યાં સુધી માતૃભૂમિની મુઠ્ઠીભર માટીનો ઉપયોગ અંતિમ સંસ્કારમાં ન થાય ત્યાં સુધી જન્નત નસીબ નથી થતી.
RSS વડા ભાગવતે કહ્યું કે, ચાર પ્રકારના હિન્દુઓ છે. પ્રથમ, જેઓ પોતાની ઓળખ પર ગર્વ અનુભવે છે. બીજા હિન્દુ જેઓ કહે છે કે તેઓ હિન્દુ છે પરંતુ ગર્વ અનુભવતા નથી. ત્રીજા હિન્દુ, જેઓ ખાનગી રીતે પોતાને હિન્દુ માને છે પરંતુ નફા કે નુકસાનના ડરથી જાહેરમાં તેનો સ્વીકાર કરતા નથી. અને ચોથા પ્રકારના હિન્દુઓ એવા છે જેઓ ભૂલી ગયા છે કે તેઓ હિન્દુ છે.




