
મોદી સરકારનું સ્ત્રી સશક્તિકરણની દિશામાં પગલું અનામત બિલ માટે તમામ ક્ષેત્રની મહિલાઓને સંસદનું આમંત્રણકેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે
સંસદમાં ગુરુવારથી શરૂ થનારી ત્રણ દિવસીય વિશેષ બેઠક માટે તૈયાર થઈ રહી છે, જેમાં મહિલા અનામત બિલ પર ચર્ચા થવાની છે, ત્યારે કેન્દ્ર સરકારે દેશભરના વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી મહિલાઓને દિલ્હી બોલાવીને વિશાળ જનસંપર્ક પ્લાન તૈયાર કર્યો છે. આ પહેલનો ઉદ્દેશ આ ચર્ચાને ઐતિહાસિક ક્ષણ તરીકે ચિહ્નિત કરવાનો છે, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ જાેવા મળે તે બાબતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે. જેમાં છેવાડાના કામદારોથી લઈને ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જાણીતા જાહેર વ્યક્તિત્વો સુધી તમામને દિલ્હી આવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
તેલુગુ દેશમ પાર્ટી (TDP) પોતાના મહિલા ધારાસભ્યો, કોર્પોરેશન અધ્યક્ષાઓ અને મહિલા મંત્રીઓને આ બિલ પરની ચર્ચા દરમિયાન રાષ્ટ્રીય રાજધાનીમાં હાજર રાખવાની યોજના બનાવી રહી છે.
બીજી તરફ, શિવસેના વિવિધ સામાજિક અને આર્થિક પૃષ્ઠભૂમિ ધરાવતી મહિલાઓને આમંત્રિત કરી રહી છે, જેમાં સફાઈ કામદારો, મજૂરો, સ્વસહાય જૂથોની સભ્યો અને લાડકી બહેન યોજનાના લાભાર્થીઓનો સમાવેશ થાય છે. જેમાં ઘણી મહિલાઓ પ્રથમ વખત દિલ્હી જઈ રહી છે અને કેટલાક માટે તો આ પ્રથમ હવાઈ મુસાફરીનો અનુભવ હશે.
આ સાથે, કેન્દ્ર સરકારે જાણીતા નાગરિકો, સેલિબ્રિટીઓ અને સશસ્ત્ર દળોની મહિલાઓને પણ આમંત્રણ પાઠવ્યા છે, જેથી આ સત્રને વ્યાપક અને સર્વસમાવેશક બનાવવામાં સફળતા હાંસલ કરી શકાય. આ વિશેષ બેઠક, જે ૨૦૨૩માં પસાર થયેલા “નારી શક્તિ વંદન અધિનિયમ”માં સુધારા અંગે ચર્ચા કરવા માટે બોલાવવામાં આવી છે, તેમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા આરક્ષણના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત થવાની શક્યતા છે.
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં સંબોધન કરી શકે છે અને બિલ માટેનો રોડમૅપ રજૂ કરવાની અપેક્ષા છે. લોકસભામાં લગભગ ૧૮ કલાક અને રાજ્યસભામાં ૧૦ કલાક ચર્ચા થવાની શક્યતા છે, જ્યારે મતદાન શનિવારે યોજાશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ચર્ચાનો જવાબ આપશે એવી અપેક્ષા છે.
બિલ મુજબ, લોકસભામાં કુલ સભ્યોની મહત્તમ સંખ્યા ૮૫૦ સુધી રાખવાની જાેગવાઈ છે, જેમાંથી ૮૧૫ સુધી રાજ્યોથી અને ૩૫ સુધી કેન્દ્રશાસિત પ્રદેશોથી પ્રતિનિધિઓ હશે. અંતિમ બેઠકોનું વહેંચાણ ડિલિમિટેશન કમિશન દ્વારા નક્કી કરવામાં આવશે.
વડાપ્રધાને આ પગલાને “રાષ્ટ્રની ભાવના” અને “નારી શક્તિના અવાજ” તરીકે વર્ણવ્યું છે, અને આવનારી ચર્ચા ભારતમાં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના ભવિષ્યને આકાર આપશે તેવી અપેક્ષા છે.
સરકારે વિરોધ પક્ષનો પણ સંપર્ક કર્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સાથે વાતચીત કરીને બિલને સમર્થન આપવા અપીલ કરી છે.





