આગામી વર્ષથી નવો સિલેબસ લાગુ કરાશે બેચરલ ઓફ ફાર્મસીમાં વિદ્યાર્થીઓ જૂના સિલેબસ પ્રમાણે અભ્યાસ કરી શકશે નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત પ્રવર્તતી દ્વિધાનો અંત, ૨૦૨૬-૨૭થી નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ માટે લાગુ થશે સુધારેલો અભ્યાસક્રમ ફાર્મસીમાં પ્રવેશ માટે આગામી વર્ષથી નવો સિલેબસ લાગુ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાનમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ સુધી બીફાર્મમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ જે નિયમો અને સિલેબસ પ્રમાણે પ્રવેશ મેળવ્યો હશે તે પ્રમાણે જ અભ્યાસ કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરાઈ છે. અગાઉ તમામ વિદ્યાર્થીઓએ નવા સિલેબસ પ્રમાણે અભ્યાસ કરવો પડશે તેવી માહિતીના કારણે ભારે દ્વિધાભરી સ્થિતિ ઊભી થતાં આ સ્પષ્ટતા કરવામાં આવી છે. ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા નવી એજ્યુકેશન પોલિસી અંતર્ગત શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી પ્રવેશ મેળવનારા તમામ વિદ્યાર્થીઓએ બીફાર્મના સુધારેલા સિલેબસ પ્રમાણે અભ્યાસ કરવાનો રહેશે તેવી જાહેરાત કરાઈ હતી. સૂત્રો કહે છે કે, જે તે સમયે જૂના વિદ્યાર્થીઓ કે બેકલોગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓએ પણ નવા સિલેબસ પ્રમાણે જ અભ્યાસ કરવો પડશે તેવી વિગતો બહાર આવી હતી. આમ, જૂના વિદ્યાર્થીઓએ નવા કોર્સ પ્રમાણે અભ્યાસ કરવાનો થાય તો અનેક મુશ્કેલી ઊભી થાય તેમ હતી. આથી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ સુધી જે વિદ્યાર્થીઓએ બીફાર્મમાં પ્રવેશ મેળવ્યો છે તેઓએ જે નિયમો અને સિલેબસમાં પ્રવેશ મેળવ્યો હોય તે પ્રમાણે જ અભ્યાસ પૂરો કરવાનો રહેશે તેવી સ્પષ્ટતા કરાઈ છે. આ સિવાય જૂના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ પૂરો કરી શકે તે માટે કોઇપણ વિષયમાં બેકલોગ હોય તો પણ આગળના સેમેસ્ટરમાં જવા માટે અને વર્ગ ભરવા માટે મંજૂરી આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ તેમના છેલ્લા સેમેસ્ટરમાં હાજર હોય તે પછી આવતાં સેમેસ્ટરમાં પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકશે અને બેકલોગ વિષયોને આગળ કેરી ફોરવર્ડ કરીને આઠમા સેમેસ્ટર સુધી અભ્યાસ ચાલુ રાખી શકશે. વર્ષ ૨૦૨૬-૨૭થી બીફાર્મમાં જૂના સિલેબસમાં કોઇપણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવશે નહી. જેના કારણે જે વિદ્યાર્થીઓને કોઇ સેમેસ્ટરમાં હાજરીની અછત હોય તેઓએ નિયમિત વર્ગાે પછી વધારાના વર્ગાે, વધારાના શૈક્ષણિક કલાકો, અભ્યાસની રજાઓ દરમિયાન અથવા સંસ્થા દ્વારા માન્ય અન્ય વ્યવસ્થા પ્રમાણે જરૂરી હાજરી પૂરી કરવાની તક આપવામાં આવશે.





