
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
દેશમાં આસમાને પહોંચેલી મોંઘવારી, બેરોજગારી, ધંધામાં મંદી,શિક્ષણનું ખાનગીકરણ, કોર્પોરેટ કંપની જેવી મોંઘીદાટ ખાનગી હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો અને સરકારી સ્કુલો રામભરોસે જેવા હાલના સમયમાં પ્રજા (એટલેકે મતદારો) પાસેથી મીઠાથી લઈને મીઠાઈ સુધીની દરેક વસ્તુમાં ટેક્ષ વસૂલતી આ સરકારમાં બેઠેલા કોર્પોરેટરોથી લઈને વાયા મુખ્યમંત્રીથી વડાપ્રધાન સુધીની દરેક વ્યક્તિ પ્રજાની સેવાની વાત કરતી હોય છે. ત્યારે સિક્કાની બીજી બાજુ જોવા જઈએ તો આ મંત્રીઓ અને નેતાઓનો મુખ્ય આશય સત્તાના સિંહાસને બેસીને સત્તાનો સ્વાદ ચાખવાનો હોય છે. કારણ એમને પ્રજાના પૈસે ધાગડધિન્ના કરવા જેવી બધી જ જરૂરી સગવડો જેવી કે બંગલા,ઓફિસો,ગાડી, લાઇટ,ટેલીફોન, નોકર-ચાકર, પેટ્રોલ, રેલ સહિત હવાઈ મુસાફરી પરિવાર સાથે તદ્દન મફતમાં મળતી હોવાથી એ સત્તાને છોડતા નથી. પ્રજાની સેવાનું તો એક બહાનું છે. સાચા અર્થમાં પ્રજા એમને ખભે બેસાડતી હોવાથી આ સિલસિલો ચાલી રહ્યો છે.
હવે મૂળ વાત કરીએ નેતાઓને મળતા પેન્શનની આ પેન્શનો બંધ કરવા જોઈએ કારણ ચૂંટણી લડી લડીને પૈસાદાર બની સત્તા ભોગવતા આ આધુનિક અંગ્રેજો પાછા આલી,મવાલીઓ નથી હોતા એમની કરોડોની પ્રોપર્ટીઓ, કરોડોના બંગલા, લાખોની મોંઘીદાટ ગાડીઓ વિગેરે હોવા છતાં પાછા રિટાયર્ડ થતાં (આમ તો બે ટર્મ પછી હારીને કે ચૂંટણી જીતીને કરોડો બનાવ્યા પછી સ્વૈચ્છીક રીતે રાજકારણને રામરામ કરતાં) એમને ઊંચા પેન્શનો મળતા હોવાથી મોંઘવારીમાં પ્રજાને પડતો માર એમ પ્રજાના ટેક્ષમાંથી પાછા પેન્શન પણ લેવાના આમ સત્તા ઉપર બેઠા પછી અને સત્તા છોડયા પછી એમના સુખ સુવિધા જેવા પેન્શનો તો ચાલુ જ રહેતા હોય છે. એ બધી સુવિધાઓ બંધ કરવી જોઈએ.
અહીં વાત છે આ સત્તાધારીઓને મળતા પેન્શન બંધ કરવાની આ પેન્શન સરકારી બજેટનો એક મોટો હિસ્સો છે. જો નેતાઓના પેન્શન બંધ કરવામાં આવે તો દર વર્ષે કરોડો રૂપિયાની બચત થઈ શકે. અને આ બચેલી રકમ સરકાર બીજી જગ્યાએ રોકાણ કરીને પ્રજા હિતના કાર્યો કરી શકે છે. જેવી કે સરકારી હોસ્પિટલોમાં સુવિધાઓ, સરકારી સ્કુલો બનાવવી, સારા રોડ રસ્તા, પુલો બનાવી પ્રજા કલ્યાણના કામો કરવા વિગેરે વિગેરેમાં પેન્શનના બચેલા નાણાંનો ઉપયોગ કરી શકાય છે.
અને છેલ્લે સત્તામાં બેઠેલા તમામ પક્ષોના નેતાઓ સત્તાધારી હોય કે વિપક્ષ હોય એ તમામે તમામ સરકારી પેન્શનના મળતા લાભને છોડવા તૈયાર નથી. કારણ બધા જ નેતાઓ પ્રજાની સેવાની માત્ર વાતો જ કરતાં જ હોય છે. જ્યારે દેશહિતમાં કંઈક છોડવાની વાત આવે છે ત્યારે એ બધાના મોં સિવાઈ જાય છે. એટલે કે કપડાંમાં બધા જ નાગા છે એવો ઘાટ છે.
ભૂતકાળના નેતાઓ હોય કે નવા સેવા કરવા થનગનતા યુવાનો હોય એમને દાખલો બેસાડવા વર્તમાન નેતાઓમાંથી કોઈ એક છે માઈનો લાલ કે હું દેશના હિતમાં આજીવન પેન્શન લીધા વગર પ્રજાની હરહંમેશ ખડેપગે સેવા કરતો રહીશ એવું કહેનાર અને પ્રજાના પૈસાનો વિચાર કરીને સરકારી સવલતોથી દૂર રહીશ એવું જાહેરમાં ઉચ્ચારણ કરનાર પછી એ કોઈપણ પાર્ટીનો કેમ ના હોય? લોકોની સેવાના નામે સુખ સાહેબી ભોગવી કરોડોમાં રમતા થઈ જાય છે. જે આનાથી બંધ થતાં પ્રજાનો પૈસો પ્રજાના હિત માટે વપરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જો ૩૫-૩૮ વર્ષ સુધી સરકારી નોકરી કરનારાઓનું પેન્શન ૧,એપ્રિલ ૨૦૦૪ પછી બંધ કરી પાછલી જિંદગીની આવક નો સ્ત્રોત એવો આધાર છીનવી લઈને નોંધારા બનાવી દેવામાં આવતા હોય ત્યારે પાંચ વર્ષ ચૂંટણીમાં જીત્યા પછી રિટાયર્ડ થઈને પેન્શન મેળવતા નેતાઓના પણ પેન્શન બંધ કરાવવા જોઈએ.
આ બાબતે વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્રના દક્ષિણ ગુજરાતના પ્રમુખ છગનલાલ દોલતરામ મેવાડા ધ્વારા જનહિતમાં નેતાઓના પેન્શન બંધ કરાવવા મહામહિમ રાષ્ટ્રપતિજીને લેખિત પત્ર સુપ્રત કરવા સાથે સુપ્રીમ કોર્ટમાં પણ PIL દાખલ કરીને પેન્શન બંધ કરાવવા લડત આપી પ્રજાના પૈસાનો થતો દુરુપયોગ બંધ કરાવશે.





