(નીડર, નિષ્પક્ષ અને તટસ્થ છગનલાલ મેવાડા ) સુરત.
દેશ ભરમાં સતત થઈ રહેલા ગટર અને સેપ્ટિકટેન્કની સફાઈ દરમ્યાન થતાં સફાઈ કર્મચારીઓના મોત અંગે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. જસ્ટિસ અરવિંદકુમાર અને જસ્ટિસ વિપુલ એમ. પંચોલીની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા ગુજરાત, મહારાષ્ટ્ર, તામિલનાડુ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ ના મુખ્ય સચિવોને શો- કોઝ નોટિસો પાઠવી છે. અને પૂછ્યું છે કે, આદેશોનું પાલન ન કરવા બદલ તેમની સામે સુઓમોટો અદાલતી અવમાનના (કન્ટેમ્પ ઓફ કોર્ટ) ની કાર્યવાહી શા માટે ન કરવામાં આવે?
સુપ્રીમ કોર્ટે ડો.બલરામસિંહ ધ્વારા દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર સુનાવણી કરતાં આ નિર્દેશ આપ્યો હતો. ઓકટોબર ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે ગટર સફાઈ દરમ્યાન થતાં મોત પર વળતરની રકમ વધારીને રૂપિયા ૩૦ લાખ (ત્રીસ લાખ) કરી હતી. અને જાન્યુઆરી ૨૦૨૫માં ૬ મેટ્રોપોલિટન શહેરોમાં હાથથી મેલુ ઉપાડવાની ઘટના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકયો હતો. સુપ્રીમકોર્ટમાં સુનાવણી દરમ્યાન સિનિયર એડવોકેટ કે. પરમેશ્વરે અદાલતને રજૂઆત કરતા જણાવ્યુ કે કડક આદેશો છતાં મૃત્યુની ઘટનાઓ અટકી નથી.
જ્યારે સંસદમાં રજૂ કરાયેલા આંકડા મુજબ ૨૦૨૪માં ૫૪ અને ૨૦૨૫ માં ૪૬ મોત નોંધાયા છે. ૨૦૨૪ માં મહારાષ્ટ્રમાં ૧૭, રાજસ્થાનમાં ૧૩ અને તામિલનાડુમાં ૧૨ કામદારોના મોત થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ ગટર સફાઈ દરમ્યાન ગટરમાં ઉતરવાના કારણે કામદારોના મોત થવાના બાનાવો બનેલ હોઈ સુપ્રીમ કોર્ટ ધ્વારા નોટિસો પાઠવવામાં આવી છે. ત્યારે હવે રાજયના મુખ્ય સચિવ આ અંગે જવાબ માં શું વિગતો આપે છે તે હવે આગામી સુનાવણીએ જાણવા મળશે. જોકે આ મામલે સુપ્રીમ કોર્ટે ગંભીર બની કાર્યવાહી હાથ ધરી છે એ સારી બાબત છે.





