
ટ્રાફિક નિયમ તોડનારાઓ થઈ જજાે સાવધાન હવે ઈ-ચલણ બાકી વાહનને બ્લોક શ્રેણીમાં મૂકાશે નવા સુધારા મુજબ હવે ઈ-ચલણની રકમ સમયસર નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે દેશભરમાં ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો સામે કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરવામાં આવેલા નવા સુધારા મુજબ હવે ઈ-ચલણની રકમ સમયસર નહીં ભરનાર વાહન માલિકોને સીધી અસર ભોગવવી પડશે. સરકારનો આ ર્નિણય દેશભરમાં મોટી સંખ્યામાં પેન્ડિંગ રહેલા ટ્રાફિક ચલણને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
નવા નિયમો અનુસાર, ઈ-ચલણ મળ્યા બાદ વાહનચાલક અથવા વાહન માલિકને ૪૫ દિવસ સુધી વાંધો અથવા ફરિયાદ નોંધાવવાની તક આપવામાં આવશે. જાે આ સમયગાળા દરમિયાન કોઈ રજૂઆત કરવામાં નહીં આવે તો ચલણ સ્વીકારવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે. ત્યારબાદ પણ જાે દંડની રકમ ભરવામાં નહીં આવે તો સંબંધિત વાહનને ‘નોટ ટુ બી ટ્રાન્ઝેક્ટેડ’ એટલે કે બ્લોક શ્રેણીમાં મૂકી દેવામાં આવશે.
વાહન બ્લોક શ્રેણીમાં મૂકાયા બાદ RTO માં વાહન સંબંધિત કોઈપણ વહીવટી પ્રક્રિયા થઈ શકશે નહીં. સરકારી ટેક્સ ભરવાની સુવિધા સિવાય અન્ય તમામ સેવાઓ પર પ્રતિબંધ લાગી જશે. વાહનના ટ્રાન્સફર, પરમિટ, NOC અથવા અન્ય સેવાઓ પણ અટકી શકે છે.
કેન્દ્ર સરકારે વારંવાર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનચાલકો માટે પણ કડક જાેગવાઈ કરી છે. નવા નિયમ મુજબ જાે કોઈ વાહનચાલકને એક વર્ષ દરમિયાન પાંચથી વધુ ઈ-ચલણ મળશે તો તેનું ડ્રાઈવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવી શકે છે. આ પગલું ટ્રાફિક નિયમોના સતત ભંગને રોકવા માટે લેવામાં આવ્યું છે.
દેશભરમાં વધતી પેન્ડિંગ ચલણની સંખ્યા હોવાનું જણાવ્યું છે. વર્ષ ૨૦૨૫ના અભ્યાસ મુજબ દેશમાં જાહેર થયેલા આશરે ૬૪ ટકા ટ્રાફિક ચલણની રકમ હજુ સુધી વસૂલ થઈ શકી નથી. ગુજરાતમાં પણ ઈ-ચલણની સંખ્યા સતત વધી રહી છે. દરરોજ સરેરાશ ૨૫ હજાર જેટલા ઈ-ચલણ ઈશ્યૂ કરવામાં આવે છે.
આંકડાઓ મુજબ વર્ષ ૨૦૨૩માં ગુજરાતમાં આશરે ૧૬ લાખ ચલણથી ૧૫૩ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારબાદ ૨૦૨૪માં ૪૩ લાખથી વધુ ચલણ સાથે ૧૯૫ કરોડ રૂપિયાનો દંડ થયો હતો. જ્યારે ૨૦૨૫માં ઈ-ચલણની સંખ્યા વધીને ૮૫.૭ લાખ સુધી પહોંચી ગઈ હતી અને ૨૩૧ કરોડ રૂપિયાથી વધુનો દંડ નોંધાયો હતો. અંદાજ મુજબ ગુજરાતમાં હજુ પણ ૧૪૦થી ૧૫૦ કરોડ રૂપિયા જેટલી ચલણની રકમ બાકી હોઈ શકે છે.
કેન્દ્ર સરકારના નવા નિયમો અમલમાં આવ્યા બાદ હવે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો માટે મુશ્કેલીઓ વધી શકે છે. સરકારનું માનવું છે કે કડક જાેગવાઈઓના કારણે લોકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે વધુ જવાબદારીની ભાવના વિકસશે અને બાકી રહેલી ચલણની વસૂલાત પણ ઝડપી બનશે.





