રાજસ્થાનની મતદાર યાદીમાં મોટો તફાવત SIR ની સરખામણીએ SSR ડ્રાફ્ટમાં ૧૧ લાખ વધુ મતદારો એક વર્ષમાં મતદારોના આંકડામાં ત્રણ અલગ સત્તાવાર આંકડા સામે આવતા સવાલો ઊભા થયા
રાજસ્થાનમાં નવી સ્પેશિયલ સમરી રિવિઝન (SSR) હેઠળ ગુરુવારે જાહેર કરવામાં આવેલી ડ્રાફ્ટ મતદાર યાદીએ રાજ્યની ચૂંટણી પ્રક્રિયા અંગે ચર્ચા જગાવી છે. નવી યાદીમાં કુલ ૫.૨૬ કરોડ મતદારો નોંધાયા છે. જાેકે, અગાઉ જાહેર થયેલી વિવિધ સત્તાવાર મતદાર યાદીઓની સરખામણી કરતાં મતદારોની સંખ્યામાં મોટો તફાવત જાેવા મળ્યો છે.ફેબ્રુઆરીમાં જાહેર થયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની અંતિમ મતદાર યાદીમાં ૫.૧૫ કરોડ મતદારો હતા. તેની સરખામણીએ નવી SSR ડ્રાફ્ટ યાદીમાં આશરે ૧૧ લાખ મતદારો વધુ છે. બીજી તરફ, ઓક્ટોબરની શરૂઆતમાં રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી અંતિમ યાદીમાં ૫.૪૫ કરોડ મતદારો નોંધાયા હતા. એટલે કે નવી ડ્રાફ્ટ યાદીમાં તે આંકડા કરતાં આશરે ૧૮ લાખ મતદારો ઓછા છે.
મુખ્ય ચૂંટણી અધિકારી નવીન મહાજનના જણાવ્યા મુજબ, SSR ડ્રાફ્ટ યાદીમાં ૨,૭૫,૨૪,૭૮૦ પુરુષ, ૨,૫૧,૪૨,૦૫૨ મહિલા અને ૫૮૪ ટ્રાન્સજેન્ડર મતદારોનો સમાવેશ થાય છે. મતદાર યાદી માટે લાયકાતની તારીખ ૧ જાન્યુઆરી, ૨૦૨૭ રાખવામાં આવી છે.
ચૂંટણી પંચે ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર સુધી દાવા અને વાંધા રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. મતદારો નામ ઉમેરવા, નામ દૂર કરવા અથવા વ્યક્તિગત વિગતોમાં સુધારો કરવા માટે નિર્ધારિત ફોર્મ દ્વારા અરજી કરી શકશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ મતદાર યાદી ૪ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ જાહેર થવાની છે.
SIR વધુ વ્યાપક ચકાસણી પ્રક્રિયા છે, જેમાં બૂથ લેવલ ઓફિસરો દ્વારા મતદારોની વિગતોની ઊંડાણપૂર્વક ચકાસણી કરવામાં આવે છે. જ્યારે SSR અગાઉની અંતિમ મતદાર યાદીના આધારે કરવામાં આવતી નિયમિત પ્રક્રિયા છે, જેમાં નવા મતદારોનો સમાવેશ, અયોગ્ય અથવા મૃત મતદારોના નામ દૂર કરવા અને વિગતોમાં સુધારા પર ધ્યાન આપવામાં આવે છે.
એક જ વર્ષ દરમિયાન મતદારોની સંખ્યામાં ૧૧ લાખથી ૧૮ લાખ સુધીનો તફાવત જાેવા મળતાં ચૂંટણી યાદીની પ્રક્રિયા અને આંકડાઓ અંગે સવાલો ઉઠ્યા છે. જાેકે, SSR દરમિયાન દાવા-વાંધાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ યાદી જાહેર થશે, ત્યાર બાદ જ મતદારોની સંખ્યાનું વધુ સ્પષ્ટ ચિત્ર સામે આવશે.




