
તેલંગાણામાં આ વર્ષે અત્યાર સુધીમાં ૫૦૯ નક્સલીઓનું સરંડર.તેલંગાણામાં છત્તીસગઢના ૩૯ સહિત ૪૧ નક્સલીઓનું આત્મસમર્પણ.આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ ૨૪ હથિયાર અને ૭૩૩ દારુગોળા પોલીસને સોંપ્યા : તેલંગાણાના ડીજીપી. તેલંગાણા પોલીસની સામે પ્રતિબંધિત માઓવાદી સંગઠન કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માઓવાદી)ના ૪૧ નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે, જેમાં ૩૯ નક્સલી છત્તીસગઢના છે. આત્મસમર્પણ કરનાર નક્સલીઓમાં – કંપની પ્લાટુન કમિટના સભ્ય અને ડિવિઝનલ કમિટી મેમ્બર રેન્કના છ સીનિયર નક્સલીઓ સામેલ છે. આ તમામ નક્સલવાદીઓએ તેલંગાણાના ડીજીપી બી.શિવધર રેડ્ડીની ઉપસ્થિતિમાં આત્મસમર્પણ કર્યું છે.
આ સાથે કેટલાક હથિયારો પોલીસ સમક્ષ મૂકી દીધા, જેમાં એક ઈન્સાસ લાઇટ મશીનગર, ત્રણ એકે-૪૭ રાઇફલ, પાંચ એસએલઆર રાઇફલ, સાત ઈન્સાસ રાઇફલ, એક બીજીએલ ગન, ચાર .૩૦૩ રાઇફલ, એક સિંગલ-શોટ રાઇફલ અને બે એર ગન સામેલ છે. તેલંગાણાના જે બે નક્સલીએ આત્મસમર્પણ કર્યું છે, એમાં અર્રાગોલા રવિ ઉર્ફે સંતોષ(૪૦) અને કનિકારાપુ પ્રભંજન(૩૩) સામેલ છે. બાકીના ૩૯ નક્સલીઓ છત્તીસગઢના છે.તેલંગાણાના ડીજીપીએ જણાવ્યું કે, આત્મસમર્પણ કરનાર નક્સલીઓએ ૨૪ હથિયાર અને ૭૩૩ દારુગોળા પોલીસને સોંપ્યા છે. હથિયારો સાથે આત્મસમર્પણ કરવાથી વિસ્તારમાં માઓવાદીઓની ઓપરેશનલ અને લડવાની ક્ષમતા ખૂબ નબળી પડી ગઈ છે. મુખ્યમંત્રી એ.રેવંત રેડ્ડીની અપીલ પછી નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. મુખ્યમંત્રીએ નક્સલવાદીઓને હિંસાનો માર્ગ છોડીને સમાજના મુખ્યપ્રવાહમાં સામેલ થવા અપીલ કરી હતી.





