
પૂર્વ જજે કહ્યું કે, મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો ૨ વખત ડૉક્યુમેન્ટ આપ્યા છતાં મતદાર યાદીમાંથી જજનું નામ જ ગાયબ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં નોટ ફાઉન્ડ ગણાવી દીધું છે પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા હેઠળ કોલકાતા હાઈકોર્ટના પૂર્વ જજ શાહિદુલ્લાહ મુનશીનું નામ મતદાર યાદીમાં નોટ ફાઉન્ડ ગણાવી દીધું છે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે બે વાર પોતાના ડૉક્યુમેન્ટ જમા કરાવ્યા હતા અને ચૂંટણી પંચની ચકાસણી પ્રક્રિયામાંથી પણ પસાર થયા હતા. પૂર્વ જજે કહ્યું કે, મને સમજાતું નથી કે મારે કોનો સંપર્ક કરવો.
પૂર્વ જજ મુનશી અને તેમના પરિવારના સભ્યોના નામ મતદાર યાદીના પહેલા ડ્રાફ્ટમાં પણ સામેલ ન હતા. મુનશીએ જણાવ્યું કે, પ્રથમ SIR નોટિફિકેશ જારી થયા બાદ મેં મારી પત્ની અને દીકરા સાથે બૂથ લેવલ ઓફિસર (BLO) ને તમામ જરૂરી ડૉક્યુમેન્ટ આપ્યા હતા. ડ્રાફ્ટમાં નામ ન આવવા બદલ અમે ચિંતિત થયા. ત્યારબાદ અમને એન્ટાલી સ્થિત ચૂંટણી પંચની ઓફિસમાં બોલાવવામાં આવ્યા, જ્યાં અધિકારીઓએ ડૉક્યુમેન્ટની નવેસરથી ચકાસણી કરી. ત્યાં મેં ફરીથી બધા ડૉક્યુમેન્ટ આપ્યા અને અધિકારીઓએ મને ખાતરી આપી કે હવે આ મામલો ઉકેલાઈ જશે. સત્તાવાર આંકડા પ્રમાણે ગત વર્ષે નવેમ્બરમાં SIR પ્રક્રિયા શરૂ થઈ ત્યાર બાદથી મતદારોની સંખ્યા લગભગ ૮.૩ ટકા એટલે કે ૬૩.૬૬ લાખ નામો હટાવી દેવામાં આવ્યા છે. આનાથી મતદારોની સંખ્યા લગભગ ૭.૬૬ કરોડથી ઘટીને ૭.૦૪ કરોડ રહી ગઈ છે. તેના ઉપરાંત ૬૦.૦૬ લાખથી વધુ મતદારોને વિચારાધીન શ્રેણીમાં રાખવામાં આવ્યા છે, અને ન્યાયિક અધિકારીઓ દ્વારા ચકાસણીના માધ્યમથી મતદારો તરીકે તેમની યોગ્યતા નક્કી કરવામાં આવી રહી છે. પરિસ્થિતિને અત્યંત દુ:ખદ ગણાવતા નિવૃત્ત જજે કહ્યું કે, અત્યાર સુધીમાં ફક્ત મારું નામ હટાવવામાં આવ્યું છે, જ્યારે મારી પત્ની અને પુત્રના નામ હજુ પણ વિચારાધીન છે. આ ખૂબ જ અપમાનજનક અને પજવણી સમાન છે. મને સમજાતું નથી કે આ ર્નિણય કેવી રીતે લેવામાં આવ્યો અને કયા આધારે મારું નામ હટાવવામાં આવ્યું. હું ટૂંક સમયમાં મતદાર યાદીમાં મારું નામ પુન:સ્થાપિત કરવા માટે એપેલેટ ટ્રિબ્યુનલમાં અરજી દાખલ કરીશ. જ્યારે પૂરક યાદી પ્રકાશિત કરવામાં આવી, ત્યારે મુનશીના પરિવારના સભ્યોની સ્થિતિ અલગ દેખાડવામાં આવી છે.મુનશીએ એ વાત પર ચિંતા વ્યક્ત કરી કે, મને નામ હટાવવા પાછળનું કોઈ કારણ નથી જણાવવામાં આવ્યું. આ ઉપરાંત જમા કરાવવામાં આવેલ દસ્તાવેજાેની કોઈ રસીદ પણ મને નથી આપવામાં આવી. જાે કાલે તેઓ કહેશે કે દસ્તાવેજાે સાચા નથી, તો મને નથી ખબર કે હું શું કરીશ કારણ કે મને કોઈ રસીદ આપવામાં નથી આવી નથી.
પૂર્વ જજે સ્પષ્ટ કર્યું કે, મેં જાણી જાેઈને પોતાના પદના પ્રભાવનો ઉપયોગ કરવાનું ટાળ્યું હતું. હું એવા કોઈ દસ્તાવેજાે સબમિટ કરવા નહોતો માગતો જેનાથી એ જાહેર થાય કે હું હાઈકોર્ટનો પૂર્વ જજ છું. હું ઈચ્છતો હતો કે મારી સાથે એક સામાન્ય નાગરિકની જેમ વ્યવહાર કરવામાં આવે, તેથી મેં મારા પાસપોર્ટ સહિત તમામ ડૉક્યુમેન્ટ જમા કર્યા હતા.





