
શ્રીરામ રામરામેતિ રમે રામે મનોરમે |
સહસ્રનામ તત્તુલ્યં રામનામ વરાનને || રામ રક્ષા સ્ત્રોતનો આ છેલ્લા શ્લોકમાં રામ નામનો અદભુત મહિમા કહી સ્તોત્ર પુરું કર્યું! એવાં રામ તત્વનાં જન્મની તિથિ એટલે રામ નવમી. તિથિ ની અવઢવમાં રામ જન્મ ગઈ કાલે થયો! પણ જન્મ પછી જ આપણાં અંતરમાં એ જન્મ્યું કે નહીં? એની ખાતરી કરવાની હોય, એટલે આપણે આજે એ રામ તત્વ વિશે ચિંતન કરીશું, પણ પહેલાં ચૈત્રની નોમે મા નવદુર્ગાના નવમાં સ્વરૂપ મા સિદ્ધિદાત્રીને નમીએ. સિદ્ધિદાત્રીનાં આશિષથી સહસ્ત્રાર ચક્રની કલ્પના પણ આલાદક છે, અને જો ત્યાં સુધી શક્તિ પ્રવાહને ખેંચી શકાય તો બહુ સારું છે, પરંતુ આપણી માટે સ્વ થી સર્વ સુધીની યાત્રા એટલે કે બ્રહ્મની વ્યાપકતાનું જ્ઞાન થવું, અને સર્વ માટે સંવેદનશીલ બનવું એ જ સહસ્ત્રારની ફલશ્રુતિ છે. સમર્થ સદગુરુના વરદ હસ્તનો સ્પર્શ થાય તો આ કામ આસાન બને. શાસ્ત્રમાં આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્રની વચ્ચે હજી એક ચક્ર બતાવ્યું છે, અને એનું નામ જ ગુરુચક્ર છે!: અને ત્યાં ધ્યાન કરવાથી ગુરુના ચરણ દેખાય છે! દરેક જગ્યાએ બીજ મંત્ર છે, જ્યારે આ ચક્રમાં ચરણ દેખાડવાનું શું પ્રયોજન હોઈ શકે! માત્ર ને માત્ર એક જ વાત અહીં સાબિત થાય છે, કે ગુરુએ દેખાડેલા માર્ગ પર ચાલીને જ સહસ્ત્રાચક્ર સુધી પહોંચી શકાય, અને એમાં બીજ મંત્ર તરીકે ગુરુએ આપેલ મંત્રનો પ્રયોગ કરવો. ગાયત્રી ઉપાસક મારા સદગુરુ ભગવાન પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી એ પણ કુંડલીની જાગરણ વિશે ઘણું લખ્યું છે, અને એમણે સુષુમ્ણા નાડી પણ ત્રણ સ્તર ધરાવે છે, એ વાતની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે, અંદર બ્રહ્મનાડી છે, જેમાંથી બ્રહ્મ સહસ્ત્રાર પર પહોંચીને પોતાનું વ્યાપક સ્વરૂપ ધારણ કરે, ત્યારે સક્રિય સહસ્ત્રાર એક જાગૃતિની મશાલ જેવું કામ કરે છે, અને એને શેષનાગની ફેણ તરીકે પણ સરખાવાયુ છે,કે જ્યાં આગળ શેષનાગની ફેણ પર પૃથ્વી છે, અને આ પૃથ્વી પરના ક્ષીર સાગરમાં ભગવાન વિષ્ણુ આરામ ફરમાવી રહ્યા છે. સમસ્ત બ્રહ્માંડમાં આવાં કેટલાયે ઋષિમુનિઓને સિદ્ધ શુદ્ધ મહાપુરુષો હશે કે, જેમણે પોતાની સહસ્ત્રાર શક્તિને જાગૃત કરી હશે, અને એ સમસ્ત ચેતનાઓ બ્રહ્મ બની સૃષ્ટિનું સંચાલન કરતી હશે! તો જ ક્ષીરસાગરમાં પરમાત્મા આરામ ફરમાવી શકે. સદગુરુદેવે અજગરનું ઉદાહરણ ટાંકીને લખ્યું છે, કે જેમ આકાશમાં ઉડતાં પંખીઓને અજગર જમીન પર સુતાં સુતાં જ મુખ ખોલી લપેટમાં લેતો હોય છે, બસ એ જ રીતે આવી જાગૃત શક્તિ, પ્રકૃતિની કે અવકાશી સિદ્ધિઓ પણ ગ્રહણ કરતાં હોય. જોકે આપણી માટે આ બધું કલ્પનાતિત છે, પણ બ્રહ્મ એટલે જ પરમાત્મા, પરમાત્મા એટલે ઈશ્વર, ઈશ્વર એટલે જ સત્ય અને સત્ય એટલે જ રામ! અને રામ તત્વ તો સર્વ વ્યાપક છે, મારી જેમ આપ સૌમાં પણ એ જ તત્વ વિદ્યમાન થાય, એવું જ્ઞાન મળે તો આપણી આ ચક્ર સાધના પરિપુર્ણ થઈ કહેવાય.સાચે જ એ સત્ય સ્વરૂપ રામની અનૂભૂતિ કરવાં શું કરવું જોઈએ? એ વિચારવું રહ્યું!
વિષ્ણુનાં સાતમા અવતાર તરીકે ભગવાન રામે અયોધ્યામાં રાજા દશરથ અને માતા કૌશલ્યાના પુત્ર તરીકે જન્મ લીધો હતો. રાજા દશરથને પુત્રકામેષ્ટિ યજ્ઞનાં ફ્ળ રૂપે મોટી અવસ્થામાં પુત્ર પ્રાપ્ત થયાં. ત્રેતાયુગમાં રાક્ષસો ઋષિમુનિઓને પોતાનાં યજ્ઞકાર્ય સંપન્ન કરવા દેતા ન્હોતા. પૃથ્વી પર પાપાચારનો અંત આવે અને ધર્મની પુનઃ સ્થાપના થાય, માટે ભગવાન વિષ્ણુએ રામ તરીકે જન્મ લીધો હતો. ભગવાન રામ થોડા મોટા થયા એટલે, વિશ્વામિત્ર ઋષિનો યજ્ઞ સંપન્ન કરાવવા એમની સાથે વનમાં ગયા હતાં. વિશ્વામિત્ર સાથેની આ સફરમાં જ તેનું સીતાજી સાથે લગ્ન થયું, અને રાજા દશરથ પોતાનાં જ્યેષ્ઠ પુત્રને રાજ્યભાર સોંપી નિશ્ચિત થવા માંગે છે, એની જાણ મંથરા દ્વારા કૈકેયીને થઈ, અને ચંદ ઘડીમાં તક્તો પલટાઈ ગયો. ભગવાન રામ ચૌદ વરસના વનવાસે ચાલ્યા અને દશરથનું મૃત્યુ થયું. જે પુત્ર માટે રાજગાદી માંગી હતી એણે રાજગાદીનો ઇન્કાર કર્યો, અને ભરત રાજા રામનાં પ્રતિનિધિ તરીકે એમની જેમ જ અયોધ્યા પાસે નંદીગ્રામમાં તાપસ બનીને આ અવધી પૂરી કરશે, અને અયોધ્યાના રાજ ધર્મનુ સંચાલન કરશે. આ 14 વર્ષમાં ભગવાન રામ જુદી જુદી જગ્યાએ રહીને સૌમાં સત્ય પ્રેમ અને કરુણાની પુષ્ટિ કરી, તેમજ વિસરતા જતાં ધર્મનું અનુસંધાન કરાવ્યું. પંચવટીમાં રાવણ દ્વારા સીતાનું હરણ થવું, ત્યારબાદ સીતાની ખોજ, વિભિષણની શરણાગતિ, સીતા માટે રાવણ જેવા કેટલાય રાક્ષસો સાથે યુદ્ધ, યુદ્ધની અંતે ભગવાન રામનો વિજય, અને પછી સીતાજી સાથે પુનઃ અયોધ્યા ગમન, પછી રાજ્યાભિષેક. આમ ભગવાન રામની અવતાર લીલાઓનું રામચરિત માનસમાં વર્ણન છે. દશરથ નંદન, કૌશલ્યા કુમાર કે અયોધ્યા પતિ, જાનકી વલ્લભ, તરીકે ભગવાન રામને આપણે સૌ ઓળખીએ છીએ અને જાણકારી રૂપે તત્વતઃ રામ જ બ્રહ્મ છે, એ જાણવા છતાં સત્યની મહત્તા પ્રબળ ન હોવાથી રામ તત્વને અનુભવી શકાતું નથી. એટલે જ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ તો થયું પણ રામરાજ્ય સ્થપાશે કે નહીં એ વિશે અસમંજસતા છે.
રામના જન્મ માટે તો દશરથ કૌશલ્યા જરૂરી છે, પણ રામને તત્વતઃ અનુભવવા માટે માત્ર થોડા ચરિત્રોનું હોવું પર્યાપ્ત છે. શ્રીરામને 14 વર્ષનો વનવાસ અપાયો, ત્યારે એની સાથે એમનો અનુજ લક્ષ્મણ અને એમની પત્ની સીતાજી પણ વનમાં ગયા! આ બે ચરિત્ર એવા છે કે એમની વગર રામ તત્વ અનુભવી શકાતું નથી. એ ચરિત્રને આત્મસાત કરીએ તો જ ધર્મરૂપી સત્ય અને સત્ય રૂપી રામને આપણા જીવનમાં પ્રતિષ્ઠિત કરી શકાય છે. કારણ કે સીધા સાદા સત્યની સાપેક્ષતા ને કારણે આપણે સત્યને વહેવારુ બનાવી દીધું છે, તેની વાસ્તવિકતાની ધાર ઓછી થઈ ગઈ છે, અને એટલે તે સત્ય આપણને રામરૂપે જ્ઞાન કે પ્રકાશ આપતું નથી, અને આપણે એ તત્વને અનુભવી શકતા નથી. બીજી એક વાત એ છે કે સૌને રામનું નામ પોતાના કામ સિદ્ધ કરવા વટાવવું છે! એની પ્રતિતિ કોઈને કરવી નથી! એટલે કે તસ્વીરમાં કે ફોટા તરીકે ઘરમાં તો રાખવા છે, પણ એના ચરિત્રને આત્મસાત કરીને, એક બે ગુણ ઉજાગર કરવા નથી, માટે રામ તત્વની અનૂભૂતિ એટલી આલ્હાદક બનતી નથી.
ભગવાન શ્રીરામના ભાઈ લક્ષ્મણને આપણે ત્યાં જાગૃત પુરુષ તરીકે ઓળખવામાં આવે છે, અને એનાં જેવી જાગૃતિ બીજે ક્યાંય જોવા મળતી નથી. લક્ષ્મણજી ભગવાન રામ સાથે 14 વર્ષનો વનવાસ ભોગવ્યો, ત્યારે એક ક્ષણ માટે પણ નિંદ્રાધીન થયા નહોતાં! આ વાતને અલગ રીતે મૂલવીએ તો એમ કહી શકાય કે રામ તત્વની અનુભૂતિ માટે ક્ષણેક્ષણની જાગૃતિ બહુ જ જરૂરી છે! બાકી આ મોહ માયા અને મમતાની સૃષ્ટિમાં એકાદ ક્ષણની ગફલત પણ ભારે પડી શકે! ત્યારે આપણે તો એજ સૃષ્ટિમાં રમમાણ છીએ! મોહરાત્રીનો અંધકાર આપણી આસપાસ ઘેરાયેલો છે, એમાં રામ તત્વનો પ્રકાશ આપણે અનુભવી શકતા નથી, કારણ કે લક્ષ્મણ જેવી જાગૃતિ નથી માટે એ સત્ય સુધી પહોંચવા દેતી નથી.
તો સીતાજી પણ શ્રીરામ સાથે વનવાસમાં ગયા હતાં, સીતા એટલે જ પ્રીતિ, સીતા એટલે જ ભક્તિ,અને સીતા એટલે જ શાંતિ! એટલે રામ તત્વની અનુભૂતિ માટે સીતાના આ ત્રણ સ્વરૂપોને આત્મસાત કરવા પડશે! રામ એટલે જ પરમ સત્ય! અને ત્યાં સુધી પહોંચવા માટે આપણી પ્રીતિને પણ પરમ બનાવવી પડશે, આપણી ભક્તિને પણ પરમ બનાવવી પડશે, અને તો જ આપણે પરમ શાંતિ સુધી પહોંચી શકીશું! એટલે કે પરસ્પર પ્રીત એ રામરાજ્યની પહેલી શરત હતી! અને જાત પાત કે સ્ત્રીલિંગ પુલિંગ ગમે તે હોય પણ માતા શબરી જેવો શુદ્ધ ભાવ જ આપણને ભક્તિની પરાકાષ્ઠા એ લઈ જશે. અંતમાં રામ તત્વ અનુભવવા માટે હનુમાન એટલે કે સ્વામી નહીં પણ દાસ બનવું પણ એટલું જ મહત્વનું છે! ઉત્ક્રાંતિને કારણે વાનર માંથી માનવ તો બન્યા હવે હનુમાન જેવા વાનર બની તત્વતઃ રામને હ્રદયસ્થ કરીએ! આ રીતે જ આપણને એ રામ તત્વની અનૂભૂતિ થશે, બસ એ એક જ માત્ર ઉપાય છે. જય જય શ્રીરામ.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)





