
સૂર્ય સાક્ષીએ અધ્યાત્મનું ખેડાણ કરીને, મણિચક્ર એવંમ રત્નોનાં નગરની સફરે જઈએ.
આજે ચૈત્રી ચોથે નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ એટલે કે પૃથ્વી નામનાં ગર્ભમાંથી પ્રાણીમાત્રને જન્મ આપનારી કુષ્માંડાને નમન કરીએ. મનુષ્ય પણ એક પ્રાણી જ છે, અને તેનાં મૂળમાં પણ અન્ય પ્રાણીની જેમ કામ જ કેન્દ્ર બિંદુ છે. એટલે તે કામ અને કામના વચ્ચે સતત ગૂંચવાયેલો રહે છે! પરંતુ જો તેને આ ચક્ર વ્યુહ માંથી બહાર નીકળવું હોય તો તેણે તેની પ્રાણશક્તિને કામ શક્તિ માંથી રામ શક્તિ તરફ ઉર્ધ્વગમન કરાવવું પડે, અને તેની આ આધ્યાત્મિક સફરનું નામ જ કુંડલિની જાગરણ છે. મનુષ્ય તરીકે એને સાત જન્મ મળે છે, પરંતુ જન્મ લઇ તે રામત્વને જાગૃત કરી રામકામ કરે તો, સાત જન્મની અવધી લંબાઇ શકે છે, એટલે કે જન્મ મૃત્યુ ઈશ્વર આધિન હોવા છતાં, મૃત્યુ સમયે તે મુક્તિની બદલે ભક્તિ માંગે છે, અને નરસિંહનાં પદ મુજબ ભક્તિ તો ભૂતળનો પદાર્થ છે, એટલે એ ફરી પૃથ્વી પર જન્મ લે છે, જ્યાં ગર્ભાવસ્થામાં એને પૂર્વ જન્મનાં સંસ્કારની સ્મૃતિમાંથી ઉપર ઉઠવાનું હોય, અથવા આ જન્મની ભૂતકાળની સ્મૃતિઓ ઉજ્જવળ જીવન તરફ જતાં રોકી રાખે છે, અને જીવન વિષય, વાસના કે કામનાઓથી ઘેરાયેલું રહે છે, એને રામ દેખાતો નથી, અને મનુષ્ય માનવીની બદલે એક પ્રાણી તરીકે જ અહીંથી વિદાય લે છે. મનુષ્ય અને માનવી બંનેમાં એક તફાવત છે,કે જે કામથી આગળ વધી રામ સુધી પહોંચી શકે, અને એ રીતે પોતાનાં હૃદયમાં માનવતા અર્જીત કરે એ માનવી. પણ તત્વતઃ રામ અધ્યાત્મિક સફર વગર અંદર હોવા છતાં અનુભવી શકાય નહીં! અધ્યાત્મ એટલે આત્મા, જે છે ખરો, પણ અદ્રશ્ય છે! એટલે કે તેનાં હોવાનાં ખૂબ બધાં પ્રમાણ રોજ મળે છે, પણ આજસુધી કોઈએ જોયો નથી! અને એ જ રીતે પરમેશ્વર તત્વ કે જે અધ્યાર છે! એટલે કે સૃષ્ટિ સંચાલન દ્વારા એનાં હોવાનાં પણ પ્રમાણ મળે છે! કોઈને સાકાર રુપે પ્રતિત થાય છે, તો કોઈને નિરાકાર રુપે! માટે આ અદ્રશ્ય અને અધ્યાર બંને તત્વનાં જોડાવાથી જ રામ તત્વની અનુભૂતિ થાય! અને આ આખી સફરને આધ્યાત્મિક સફર કહેવાય. કોઈને વર્ષો લાગી જાય, તો કોઈને પલભરમાં રામ તત્વની અનુભૂતિ થાય! આજે આપણે આ કુંડલીની જાગરણના સાત ચક્રો માંથી મહત્વનાં ત્રીજા ચક્ર એટલે કે મણીપુર ચક્રની શાસ્ત્રીય રચના જાણી તેને આપણી રીતે જાગૃત કરવાની કોશિશ કરીએ.
આપણી નાભિનાં પાછળનાં હિસ્સામાં કરોડરજ્જુ પર સાતેય ચક્રમાં મહત્વનાં એવા મણિપુર ચક્રનું સ્થાન છે. જઠરાગ્નિના સ્થાન પર હોવાથી મણિપુર ચક્ર આપણાં પાચન સાથે સંકળાયેલું ચક્ર છે. અહીંથી 72000 હજાર નાડીઓ પસાર થતી હોવાથી નાડી પ્યૉરિફિકેશન માટે પણ આ ચક્ર મહત્ત્વનું છે. મણિ એટલે કે રત્નો અને પુર એટલે કે નગર. અહીં ધ્યાન કેન્દ્રિત કરવાથી આલ્હાદક આનંદની પ્રતિતિ થાય છે.મણિપુરા ચક્રને દસ પાંખડીઓ ધરાવતું દર્શાવવામાં આવ્યું છે, જેમાં સંસ્કૃત અક્ષરો દા, ધા, ના , તા , થા, ડા, ના , પા , અને ફા છે . મધ્યમાં બીજનો અવાજ રં કે રામ છે .અગ્નિ તત્વથી બનેલું આ ચક્ર લાલ ત્રિકોણ તરીકે બતાવવામાં આવ્યું છે. બીજ મંત્રનું ઉચ્ચારણ ‘રં’ એટલે કે રામ છે, આ ચક્રના દેવ રુદ્ર છે.તે લાલ અથવા સફેદ છે, ત્રણ આંખો સાથે, ચાંદીની દાઢી સાથે પ્રાચીન પાસું છે, અને સફેદ રાખથી ઢંકાયેલ છે. આ ચક્ર જાગૃત થાય તો ડર દૂર કરે છે. રૂદ્ર દેવ વાઘ ચર્મ અથવા બળદ પર બેઠો છે, રુદ્રની શક્તિ દેવી લાકિની છે, તે કાળા અથવા ઘેરા વાદળી રંગના ત્રણ ચહેરાઓ ધરાવે છે, દરેકમાં ત્રણ આંખો છે; અને ચાર શસ્ત્ર છે. લાકીની પાસે વીજળીનો અવાજ છે, અને લાકીની લાલ કમળ પર બેઠેલી છે.મણિપુરની દસ પાંખડીઓ ઘેરી વાદળી અથવા કાળી હોય છે, જેમ કે ભરાયેલા વરસાદી વાદળો જેવો ઘેરો વાદળી રંગ છે, જોકે આ બધું તંત્ર સાધના માટે જરૂરી છે, આપણે તો જાગરણ માટે આ પાંખડીઓ આધ્યાત્મિક અર્થ કરીએ તો આ પાંખડીઓ અજ્ઞાન, તરસ , ઈર્ષ્યા , વિશ્વાસઘાત , શરમ , ભય , અણગમો , ભ્રમણા , મૂર્ખતા અને ઉદાસીની વૃત્તિઓ માંથી ઉપર ઉઠવાનો સંકેત કરે છે, એ તથ્ય જેટલું જ્ઞાન પણ પર્યાપ્ત છે. પાંખડીઓ દસ પ્રાણ એટલે કે જે જીવંત પ્રવાહ અને ઉર્જા સ્પંદનનું પ્રતિનિધિત્વ કરે છે, જે મણિપુરા ચક્ર દ્વારા નિયંત્રિત થાય છે. પાંચ પ્રાણ વાયુ છે: પ્રાણ, અપાન, ઉડાન, સામન અને વ્યાન. પાંચ ઉપપ્રાણ છે: નાગ, કુર્મ, દેવદત્ત, ક્રિકલા અને ધનંજય. મણિપુર ચક્ર સૂર્ય નાડી સાથે સંકળાયેલું છે, અને તેને સક્રિય કરવા સૂર્ય માંથી શક્તિ શોષવાની અને આત્મસાત કરવાની હોય છે, જો તે યથા માત્રામાં સક્રિય થાય તો સૂર્યમાંથી શક્તિ શોષણ કરી તેની જેમ તેજસ્વી અને પ્રભાવશાળી બને છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં એને દશચ્છડા, દશદલા પદ્મ, દશપત્ર, દશપતરામ્બુજ, મણિપુરા, મણિપુરાકા, નાભિપદ્મા, નાભિપંકજા નામથી પણ ઓળખવામાં આવે છે, આ થઈ એની શાસ્ત્રીય વાત.
મનુષ્ય જીવનમાં માત્ર તેની શક્તિનો દસમો ભાગ જ વાપરે છે, અને એ રીતે એ માત્ર પ્રાણી બની રહી જાય છે. મેડીકલ સાયન્સ પણ માને છે કે, માણસના મગજની પાછળનાં અને આગળનાં સેરીબ્રેલનો જ વિકાસ થયેલ છે પોન્સ, થેલેમસ, હાઈપોથેલેમસ, પિનિયલ અને પિટ્યુટરી ગ્રંથિનો વિકાસ નથી થયો, અને તેના કાર્યોની પણ બહુ ઓછી ખબર છે. પણ વિજ્ઞાનનો જ્યાં અંત છે, ત્યાંથી જ આધ્યાત્મિક વિજ્ઞાન શરૂ થાય છે, અને એ જ આપણને મનુષ્ય નામના પ્રાણી માંથી માનવી બનાવી શકે. યોગશાસ્ત્ર મુજબ કરોડરજ્જુનાં બીજા અને ત્રીજા મણકા વચ્ચે કંદ નામનું હાડકું ઉંધા ત્રિકોણના રૂપમાં આવેલ છે. હાડકાંની ફરતે કુંડલિની પોતાના મુખથી પોતાની પૂંછડી પકડીને બેઠેલ સાપ જેમ હોય છે. આપણે આપણી અંદર ઈચ્છા નામની એક સર્પિણી પાળીએ છે, અને આપણી ઈચ્છા શક્તિ જ આપણને મનુષ્યમાંથી માનવી બનવા દેતી નથી, એ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત થાય તો આ સાત ચક્રો માંથી કુંડલીની જાગરણ થાય કે ના થાય, પણ માનવી પણું થોડું થોડું આવી શકે! એટલે કે વિશેષ કર્મ થાય કે ન થાય, પણ ખોટા કામ કરવાનું બંધ થાય! ખોટા રાગ દ્વેષ, ખોટા વિચારો, અને ઈર્ષા નિંદા જ અજ્ઞાનને વધારે છે, અથવા તો જ્ઞાનને પ્રવેશવા નથી દેતી, એ તરફ આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો સૂર્ય શક્તિ રૂપી સકારાત્મકતા જીવનમાં આવે, અને આપણું જીવન પણ સોનેરી કે તેજસ્વી બની શકે. આ ઉપરાંત આ ચક્ર જઠર આગળ સ્થાન ધરાવે છે, અને અગ્નિ તત્વ મુખ્ય હોવાથી તેને જઠરાગ્નિ રૂપે જોઈએ, તો આપણો જેટલો જઠરાગ્નિ હોય અને જે સારી રીતે પચાવી શકે, આપણી શરીરની તાસીર અને આપણાં પ્રદેશની આબોહવા મુજબનો પૌષ્ટિક અને સાદો આહાર ગ્રહણ કરવાથી સ્વાદને નામે પોષાતાં વિકારોથી બચી શકાય છે. હવે ઉનાળો શરૂ થતો જાય છે ત્યારે વધું પડતાં ઠંડાં પદાર્થથી જઠરાગ્નિ મંદ પડી જાય, તેમજ પ્રકૃતિ એ ગરમ એવાં તેજ તીખાં પદાર્થ પણ લેવા નહીં ,નહીં તો કાયમ માટે પિત્તની તકલીફ થાય. યોગની શાસ્ત્રીય પદ્ધતિ અનુસાર આપણે મણીપુર ચક્રને સક્રિય કરી સૂર્ય શક્તિને આત્મસાત કરી શકીએ, તો એ ઘણું ઉત્તમ છે, બાકી આપણી ઈચ્છા શક્તિ કે કામનાં શક્તિને રામ શક્તિ તરફ વાળી શકીએ, એટલે કે સ્વ માંથી સર્વ તરફ જતી દિશામાં જીવનને વાળી શકીએ, તો પણ ઘણું! બાકી ચૈત્રીનાં ઉગતા સૂર્ય પ્રકાશનો વધુને વધુ લાભ લઈને જીવનને આધ્યાત્મિક શક્તિથી રત્ન જેમ પ્રકાશિત કરીને જીવન સફળ કરીએ. જય ભવાની.
લી ફાલ્ગુની વસાવડા (ભાવનગર)




