એન્ડરસનને પછાડી મિચેલ સ્ટાર્કે બનાવ્યો વર્લ્ડ રેકોડ બાંગ્લાદેશ ઘૂંટણિયે, માત્ર ૬૪ રનમાં ઓલઆઉટ મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટની પ્રથમ ઓવરમાં સૌથી વધુ ૯ વિકેટ ઝડપી જેમ્સ એન્ડરસનનો રેકોર્ડ તોડ્યો
ઓસ્ટ્રેલિયાના ડાબોડી સ્ટાર ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક મોટો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બાંગ્લાદેશ સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચમાં સ્ટાર્કે ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેણે ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનને પાછળ છોડીને આ સિદ્ધિ હાંસલ કરી છે.
ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ પહેલાં ટેસ્ટ મેચના પ્રથમ બોલ અથવા પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ ઝડપવાના મામલે મિચેલ સ્ટાર્ક અને જેમ્સ એન્ડરસન ૮-૮ વિકેટ સાથે બરાબરી પર હતા. જાેકે, બાંગ્લાદેશ સામે મેચના પહેલા જ બોલ પર ઓપનર શાદમાન ઇસ્લામને પ્લેટિનમ ડક (૦) પર આઉટ કરીને સ્ટાર્કે ૯મી વખત આ કારનામું કર્યું અને એક નવો ઈતિહાસ રચી દીધો.
ટેસ્ટ મેચની પ્રથમ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ:
મિચેલ સ્ટાર્ક: ૯ વિકેટ
જેમ્સ એન્ડરસન: ૮ વિકેટ
રે લિન્ડવોલ: ૭ વિકેટ
રિચર્ડ હેડલી: ૭ વિકેટ
કપિલ દેવ: ૭ વિકેટ
મિચેલ સ્ટાર્કની ઘાતક બોલિંગ સામે બાંગ્લાદેશની આખી ટીમ પ્રથમ દાવમાં માત્ર ૬૪ રનના સ્કોર પર જ ઢગલો થઈ ગઈ હતી. સ્ટાર્કે પ્રથમ ઓવરમાં શાદમાન ઇસ્લામને આઉટ કર્યા બાદ પોતાની બીજી ઓવરમાં બેક-ટુ-બેક બે બોલમાં બે વિકેટ ઝડપી હતી. તેણે પાછલી મેચના સેન્ચુરિયન તંજીદ હસનને ૦ પર અને ત્યારબાદ કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોને ગોલ્ડન ડક (૦) પર પેવેલિયન ભેગો કર્યો હતો.
ત્યારબાદ ઇનિંગ્સની ૫મી ઓવરમાં મોમિનુલ હક (૯ રન) અને ૭મી ઓવરમાં લિટન દાસ (૦)ને આઉટ કરીને સ્ટાર્કે માત્ર ૪૨ મિનિટ અને ૨૨ બોલમાં પોતાની ૫ વિકેટ હોલ પૂર્ણ કરી લીધી હતી. બાંગ્લાદેશના ટોપ-૫ બેટ્સમેનોમાંથી ૪ બેટ્સમેન ખાતું ખોલાવ્યા વિના જ શૂન્ય રને આઉટ થઈ ગયા હતા.
મિચેલ સ્ટાર્કે આ ઇનિંગ્સમાં કુલ ૧૦ ઓવર બોલિંગ કરી હતી, જેમાં ૬ મેડન ઓવર નાખીને માત્ર ૧૨ રન આપી ૬ મહત્ત્વપૂર્ણ વિકેટ પોતાના નામે કરી હતી. ઇનિંગ્સની છેલ્લી વિકેટ તેણે શોરીફુલ ઇસ્લામના રૂપમાં લીધી હતી. સ્ટાર્ક ઉપરાંત કેપ્ટન પેટ કમિન્સે ૩ વિકેટ અને જાેશ હેઝલવુડે ૧ વિકેટ ઝડપી હતી.





