સારાંજ જૈનનું બીજી ટેસ્ટમાં ડેબ્યૂ પાક્કું માનવ સુથાર બાદ વધુ એક જાદુઈ સ્પિનરની થઈ શકે એન્ટ્રી મધ્યપ્રદેશના ૩૩ વર્ષીય ઓલરાઉન્ડર સારાંજ જૈનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે કોલંબોમાં શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ મોટા ફેરફાર કરી શકે છે. મધ્યપ્રદેશના ૩૩ વર્ષીય ઓલરાઉન્ડર સારાંજ જૈનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કરવાની તક મળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ કોલંબો ટેસ્ટ માટે તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવા પર ગંભીરતાથી વિચાર કરી રહ્યું છે. જાે સારાંશ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવે છે, તો કુલદીપ યાદવને બહાર બેસવું પડી શકે છે. ભારતીય ટીમે ગાલેમાં પ્રથમ ટેસ્ટમાં ૧૬૫ રનની શાનદાર જીત નોંધાવી હોવા છતાં ટર્નિંગ પિચ પર કુલદીપનું પ્રદર્શન એકદમ સામાન્ય હતું. તેણે મેચમાં ૧૦૩ રન આપીને માત્ર એક વિકેટ લીધી હતી, જ્યારે સાથી સ્પિનર માનવ સુથારે ૧૦ વિકેટ લીધી હતી અને રવિન્દ્ર જાડેજાએ તે જ પિચ પર ચાર વિકેટ લીધી હતી.
૩૧ માર્ચ, ૧૯૯૩ના રોજ ઇન્દોરમાં જન્મેલા સારાંશ જૈનની ટીમ ઇન્ડિયા સુધીની સફર સરળ રહી નથી. તેના પિતા સુબોધ જૈન મધ્યપ્રદેશના પૂર્વ રણજી ટ્રોફી ખેલાડી પણ હતા અને ભારત માટે રમવાનું સપનું જાેતા હતા. શરૂઆતમાં ધ્યાન સારાંશના મોટા ભાઈ પર હતું, પરંતુ જ્યારે તેની કારકિર્દી આગળ વધી નહીં, ત્યારે સારાંશને રમત ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યો.
સારાંશ જ્યારે રણજી રમી રહ્યો હતો, ત્યારે તેના પિતાને કેન્સર હોવાનું નિદાન થયું હતું અને ત્યારબાદ તેની સર્જરી કરવામાં આવી હતી. ગંભીર પરિસ્થિતિ દરમિયાન પણ તેના પિતાએ સારાંશને ફક્ત ક્રિકેટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપતી એક ચિઠ્ઠી લખી હતી, જે સારાંશ આજે પણ તેની સાથે રાખે છે.
ઘરેલુ ક્રિકેટમાં સતત પ્રભાવશાળી પ્રદર્શનના બળ પર જ સારાંશે ટીમ ઈન્ડિયાના દરવાજા ખટખટાવ્યા છે. તેણે ૨૦૨૧-૨૨ સીઝનમાં મધ્યપ્રદેશને તેની પહેલી રણજી ટ્રોફી ટાઇટલ સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, નોકઆઉટ મેચોમાં ૧૩ વિકેટ લીધી હતી અને ફાઇનલમાં મુંબઈ સામે ૫૭ રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ ૨૦૨૨-૨૩ સીઝનમાં તેણે ૩૬૦ રન બનાવ્યા અને ૩૫ વિકેટ લીધી અને શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ જીત્યો. તાજેતરમાં ૨૦૨૫ દુલીપ ટ્રોફીમાં સેન્ટ્રલ ઝોનનું પ્રતિનિધિત્વ કરતી વખતે, તેણે બે મેચમાં ૧૬ વિકેટ લીધી અને તેને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો.





