
એમેઝોનમાં ફરી મોટી છટણીઈ-કોમર્સ કંપની એમેઝોન કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારીમાંવૈશ્વિક સ્તરે આશરે ૧૬,૦૦૦ કર્મચારીને અસર કરશે, આ પગલું કંપનીના વ્યાપક પુનર્ગઠન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છેઈ-કોમર્સ કંપની એમેઝોન કથિત રીતે છટણીના બીજા તબક્કાની તૈયારી કરી રહ્યું છે. જે અંતર્ગત ૨૭ જાન્યુઆરીથી અંદાજે ૧૬,૦૦૦ કર્મચારી નોકરી ગુમાવે તેવી શક્યતા છે. અહેવાલો અનુસાર, આ છટણીની સીધી અસર ભારતીયો પર પણ પડશે, જેમાં એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો જેવા મહત્ત્વના વિભાગોનો સમાવેશ થાય છે.
એમેઝોન આ અઠવાડિયે વર્ક ફોર્સમાં મોટો ઘટાડો કરવા તરફ આગળ વધવાનું શરૂ કર્યું છે. કંપનીની યોજના મુજબ ૨૭ જાન્યુઆરીએ નવા રાઉન્ડની શરૂઆત થઈ શકે છે, જે વૈશ્વિક સ્તરે આશરે ૧૬,૦૦૦ કર્મચારીને અસર કરશે. આ પગલું કંપનીના વ્યાપક પુનર્ગઠન અભિયાનનો ભાગ હોવાનું કહેવાય છે, જે હેઠળ ૨૦૨૬ના મધ્ય સુધીમાં લગભગ ૩૦,૦૦૦ કોર્પોરેટ હોદ્દા નાબૂદ થઈ શકે છે. નોંધનીય છે કે આ વખતે ભારત સ્થિત ટીમો પર પહેલા કરતા વધુ ગંભીર અસર થવાની સંભાવના છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કર્મચારીઓની ચર્ચાઓ અને વિવિધ મીડિયા અહેવાલો મુજબ, આગામી દિવસોમાં એમેઝોન સત્તાવાર જાહેરાત કરી શકે છે. આ છટણીમાં સૌથી વધુ અસર ભારતીયોને થશે એવું પણ મનાય છે. ખાસ કરીને એમેઝોન વેબ સર્વિસીસ અને પ્રાઇમ વીડિયો વિભાગમાં કામ કરતા કર્મચારીઓ પર જાેખમ વધારે છે.
વર્ષ ૨૦૨૫ના અંતમાં રોઇટર્સે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો કે, એમેઝોન તેના વ્યાપક પુનર્ગઠન પ્રયાસોના ભાગરૂપે આશરે ૩૦,૦૦૦ કોર્પોરેટ હોદ્દા હટાવી દેવાનું આયોજન કરી રહી છે.
આ અહેવાલ પછી જ કંપનીએ ૧૪,૦૦૦ હોદ્દા ઘટાડવાની યોજનાની પુષ્ટિ કરી હતી. એમેઝોનનું આ છટણી અભિયાન ૨૦૨૫ના અંતમાં શરૂ થયું હતું. હવે કંપની બીજા તબક્કાનો અમલ કરવા જઈ રહી હોય તેવું લાગે છે, જેમાં વધુ ૧૬,૦૦૦ હોદ્દા સામેલ છે. આમ, કુલ છટણીનો આંકડો ૩૦,૦૦૦ ની નજીક પહોંચી જશે.
જાે આમ થશે, તો તે ૨૦૨૨ અને ૨૦૨૩ દરમિયાન એમેઝોન દ્વારા કરાયેલી ૨૭,૦૦૦ કર્મચારીઓની છટણી કરતા પણ મોટો આંકડો હશે. જાે કે એમેઝોન વિશ્વભરમાં અંદાજે ૧૫.૭ લાખ લોકોને રોજગારી આપે છે, પરંતુ આ છટણીનું મુખ્ય કેન્દ્ર તેનો કોર્પોરેટ વર્ક ફોર્સ છે, જેની સંખ્યા આશરે ૩.૫ લાખ છે. આ છટણીમાં એમેઝોન વેબ સર્વિસીસ, પ્રાઇમ વીડિયો, રિટેલ ઓપરેશન્સ અને HR વિભાગ (PXT) મુખ્ય લક્ષ્ય છે. ભારતમાં ખાસ કરીને બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા શહેરોમાં સ્થિત કોર્પોરેટ ટીમો પર વધુ જાેખમ છે.
૨૭ જાન્યુઆરીના સપ્તાહની શરૂઆતથી જ પ્રક્રિયા શરૂ થઈ શકે છે. ઘણાં કર્મચારીઓએ દાવો કર્યો છે કે મેનેજરો અને વરિષ્ઠ નેતાઓએ પહેલેથી જ સંકેતો આપી દીધા છે. એવું પણ કહેવાય છે કે, જે કર્મચારીઓ હાલમાં ‘પરફોર્મન્સ ઇમ્પ્રુવમેન્ટ પ્લાન‘ હેઠળ છે, તેમને અન્ય લોકો કરતા વહેલી જાણ કરાઈ શકે છે.
કેટલાક અહેવાલો મુજબ, ૧,૦૦૦ થી ૨,૦૦૦ કર્મચારીઓને પહેલેથી જ WARN નોટિસ મળી ચૂકી છે. અમેરિકન કાયદા મુજબ મોટી છટણી પહેલા આવી નોટિસ આપવી અનિવાર્ય છે. જાે કે એમેઝોને સત્તાવાર રીતે સમય કે સંખ્યા અંગે કોઈ પુષ્ટિ કરી નથી.
એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ સ્પષ્ટતા કરી છે કે, આ છટણી નાણાકીય કારણસર કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના કારણે નથી, પરંતુ કંપનીમાંથી અમલદારશાહી‘ઘટાડવા માટે છે. જેસીના મતે, કંપનીના ઝડપી વિસ્તરણને કારણે મેનેજમેન્ટના અનેક સ્તરો બની ગયા છે, જે ર્નિણય લેવાની પ્રક્રિયાને ધીમી પાડે છે.આમ છતાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક મહત્ત્વનું પરિબળ છે. એમેઝોન HR, સોફ્ટવેર ડેવલપમેન્ટ અને કસ્ટમર સપોર્ટમાં આંતરિક પ્રક્રિયાને ઝડપથી ઓટોમેટ કરવા પ્રયત્નશીલ છે. તેથી કંપની કાર્યક્ષમતા વધારવા એવા મેનેજમેન્ટ સ્તરોને દૂર કરી રહી છે, જે સીધી રીતે ઉત્પાદન પ્રક્રિયામાં જાેડાયેલા જ નથી.




