ઓનલાઈન ઓર્ડર કેન્સલ કર્યો તો જેલ ભેગી કરાઈ ટેન્શન દૂર કરવા મહિલાએ ૨૫૮ કરોડની શોપિંગ કરી તેણે ૨ વર્ષમાં ૨૦૦૦થી વધુ ઓર્ડર કેન્સલ કર્યા, જેનાથી કંપનીને ૪૫ લાખનું નુકસાન : યોશિદાએ ૨૩૮ ફેક એકાઉન્ટ્સ બનાવ્યા
જાપાનના એક રેસ્ટોરન્ટમાં કામ કરતી મહિલાએ પોતાનો માનસિક તણાવ (સ્ટ્રેસ) દૂર કરવા માટે એવું પગલું ભર્યું કે જે જાણીને સૌ કોઈ હેરાન થઈ ગયા છે. આ મહિલાએ ઓનલાઈન શોપિંગ સાઈટ પરથી આશરે રૂ.૨૫૮ કરોડના સામાનનો ઓર્ડર આપી દીધો, પરંતુ તેમાંથી એક પણ સામાન પોતાના ઘરે મંગાવ્યો ન હતો. જ્યારે પણ ડિલિવરી બોય પાર્સલ લઈને પહોંચતો, ત્યારે ખોટા સરનામાને કારણે કે પછી મહિલાના ઈનકારને કારણે ઓર્ડર કેન્સલ થઈ જતો હતો.
આ મહિલાનું નામ યોશિદા (ઉંમર ૩૨ વર્ષ) છે અને આ સિલસિલો છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યો હતો. આ દરમિયાન તેણે ૨૦૦૦થી વધુ ઓર્ડર અલગ-અલગ રીતે કેન્સલ કર્યા હતા. કેટલાક કિસ્સામાં તેણે કેશ ઓન ડિલિવરી લેવાની ના પાડી દીધી હતી, તો કેટલાકમાં કન્વિનિયન્સ સ્ટોર પેમેન્ટનો વિકલ્પ પસંદ કરીને સમયસર ચૂકવણી કરી ન હતી.
જાપાનીઝ મીડિયાના રિપોર્ટ અનુસાર, વારંવાર ઓર્ડર કેન્સલ થવાને કારણે સંબંધિત કંપનીને ડિલિવરી અને પ્રોસેસિંગ ચાર્જમાં આશરે ૭૫ લાખ યેન (લગભગ રૂ.૪૫ લાખ)નું મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે.
પોલીસ પૂછપરછ દરમિયાન યોશિદાએ ખુલાસો કર્યો હતો કે રોજિંદા જીવનમાં ખૂબ જ તણાવ હોવાને કારણે તે ઓનલાઈન સ્ટોર પર એનિમે કેરેક્ટર્સનો સામાન જાેતી હતી. કોઈપણ સામાન મંગાવતા પહેલાં તેને ઓર્ડર કરી દેવાથી તેને એક અલગ જ પ્રકારનો સંતોષ મળતો હતો અને તેનો તણાવ દૂર થઈ જતો હતો. તેણે સ્પષ્ટ કર્યું હતું કે કંપની સામે તેને કોઈ અંગત દુશ્મનાવટ નહોતી, પરંતુ પોતાના માનસિક સંતોષ માટે તે આવું કરતી હતી.
મહિલાએ આશરે ૬ વર્ષ પહેલાં આ સ્ટોર પરથી ખરીદી કરવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે મંગાવેલો સામાન ખરીદી લેતી હતી, પરંતુ ઓક્ટોબર ૨૦૨૩થી તેણે ઓર્ડર કરીને કેન્સલ કરવાનો આ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. આ માટે તેણે ૨૩૮ જેટલા ફેક એકાઉન્ટ્સ બનાવ્યા હતા. કંપનીની ફરિયાદ બાદ પોલીસે યોશિદા સામે ગુનો નોંધ્યો છે. યોશિદાએ પોતાના તમામ આરોપો સ્વીકારી લીધા છે અને જાપાનીઝ કાયદા હેઠળ છેતરપિંડી તથા વ્યવસાયમાં અવરોધ ઊભો કરવાના આરોપસર તેની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.





