ઇસ્લામનું સૌથી પવિત્ર શહેર ગણાતું મક્કા આજે પૂરના વિનાશથી ત્રસ્ત છે. માત્ર મક્કા જ નહીં પરંતુ મદીના અને જેદ્દાહ જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે. રસ્તાઓ એટલા પાણીથી ભરાઈ ગયા છે કે કાર તરતી છે, બસો ફસાઈ ગઈ છે અને લોકો મદદ માટે ચીસો પાડી રહ્યા છે. અનેક જગ્યાએ માનવ સાંકળ બનાવીને બાળકો અને વૃદ્ધોને બચાવવાના દ્રશ્યો સામે આવ્યા છે.
મક્કાના અલ-અવલી વિસ્તારમાં માનવ સાંકળ બનાવીને બાળકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે પૂરમાં પડી ગયેલા ડિલિવરી બોયને બચાવવા માટે એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં લોકો માનવતાનું ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.
હવામાન વિભાગે રેડ એલર્ટની ચેતવણી આપી છે
સાઉદી અરેબિયાના રાષ્ટ્રીય હવામાન વિભાગ (NMC)એ મક્કા, મદીના અને જેદ્દાહમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. વરસાદના આ તાંડવને કારણે જેદ્દાહનું કિંગ અબ્દુલ અઝીઝ ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે અને મુસાફરોને તેમની એરલાઈન્સનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. શાળાઓ ઓનલાઈન વર્ગોમાં ફેરવાઈ ગઈ છે, અને જાહેર સ્થળો સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
2009ની દુર્ઘટનાની યાદો તાજી
જેદ્દાહ પહેલા પણ પૂરનો સામનો કરી ચૂક્યું છે. શહેરમાં 2009માં 100 થી વધુ લોકોના મોત થયા હતા. આ વખતે પણ સ્થિતિ અલગ નથી. જેદ્દાહ મ્યુનિસિપાલિટીએ 11 નગરપાલિકાઓ અને 15 સહાયતા કેન્દ્રોને પાણીના ભરાવાને નિયંત્રિત કરવા માટે સક્રિય કર્યા છે. મક્કાના સમૃદ્ધ વિસ્તારોમાં લોકોને સુરક્ષિત આશરો મળી રહ્યો છે, ત્યારે ગરીબ અને શ્રમજીવી લોકો પાણીમાં ડૂબવા માટે મજબૂર છે. પૂર દરમિયાન આ અસમાનતા વધુ સ્પષ્ટ થાય છે. NMCએ આગામી સપ્તાહ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.