ગૃહ મંત્રીએ કહ્યું બધુ અસ્ત વ્યસ્ત કરી નાખશે પાકિસ્તાનમાં પણ બની કોકરોચ જનતા પાર્ટી, ગૃહ મંત્રી ટેન્શનમાં પાકિસ્તાનમાં યુવાનોએ કોકરોચ પાર્ટી પાકિસ્તાન નામનું નવું અભિયાન શરૂ કર્યું છે, જેનાથી Gen Z પેઢી જાેડાઈ રહી છે પાકિસ્તાનમાં શાહબાઝ સરકાર સામે યુવાનોનો રોષ ચરમસીમાએ પહોંચ્યો છે. દેશના યુવાનોએ હવે કોકરોચ પાર્ટી પાકિસ્તાન નામે એક નવું અભિયાન શરૂ કર્યું છે, જેની સાથે દેશની Gen Z પેઢી ઝડપથી જાેડાઈ રહી છે. તેમના ઇન્સ્ટાગ્રામ બાયોમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, આ દેશ પાકિસ્તાનીઓનો છે, કોઈ ભ્રષ્ટ માફિયાઓનો નથી. આ મોરચો હવે તમામ મુદ્દાઓ પર સરકારને ઘેરી રહ્યો છે, જેણે દેશના રાજકારણમાં નવો ખળભળાટ મચાવ્યો છે.
આ અભિયાનની ચર્ચા હવે પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં પણ જાેરશોરથી થઈ રહી છે. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવીનું એક નિવેદન વાઇરલ થઈ રહ્યું છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે, હવે તમે એક યુવાનને કંઈ પણ કહી શકો છો—માત્ર એક યુવાન, કોકરોચ કે પછી કંઈ બીજું. પરંતુ સચ્ચાઈ એ છે કે જાે આ કોકરોચ એક થઈ ગયા, તો તેઓ બધું જ અસ્ત વ્યસ્ત કરી દેશે.
ઇસ્લામાબાદમાં યોજાયેલી પાકિસ્તાન ઇકોનોમિક સમિટમાં બોલતા ગૃહમંત્રી નકવીએ સ્વીકાર્યું હતું કે, દેશ હાલમાં જે વ્યવસ્થામાં જીવી રહ્યો છે તે પૂરી રીતે ધ્વસ્ત થઈ ચૂકી છે અને આ પરિસ્થિતિમાં ઉકેલની આશા રાખી શકાય તેમ નથી.
જ્યાં સુધી મોટા સુધારા (રિફોર્મ્સ) નહીં થાય, ત્યાં સુધી પાકિસ્તાન એ જ જૂના મુદ્દાઓ પર અટવાયેલું રહેશે જેના પર એક દાયકા પહેલાં ચર્ચા થતી હતી. દેશના લોકો પણ હવે એવી ન્યાય વ્યવસ્થા ઈચ્છે છે જ્યાં સૌને સમાન તક મળે અને તેમની મહેનતનું સન્માન થાય.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન હાલમાં ભીષણ આર્થિક સંકટ સામે ઝૂઝી રહ્યું છે. એક તરફ દેશ પર વિદેશી દેવાનો મોટો બોજ છે, તો બીજી તરફ આકાશે આંબતી મોંઘવારીએ પ્રજાનું જીવવું મુશ્કેલ બનાવી દીધું છે.
આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે નવી બનેલી કોકરોચ પાર્ટીએ પાકિસ્તાનના તમામ રાજકીય પક્ષોની ઊંઘ હરામ કરી દીધી છે અને યુવાનોના આ આક્રોશનો સામનો કેવી રીતે કરવો તેને લઈને નવી ચર્ચા છાપરે ચડી છે.





