
નેપાળના પીએમ બાલેન શાહના નિવેદન પછી ભારત સરકારની સ્પષ્ટ વાત ભારત-નેપાળ સીમા વિવાદમાં ત્રીજા પક્ષની ભૂમિકા અસ્વીકાર્ય: ભારત વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સરહદી વિસ્તારોમાં દબાણ અને ‘નો મેન્સ લેન્ડ’ પર કબજાના જે કેસ સામે આવ્યા છે, તેની સંયુક્ત રીતે મેપિંગ કરવામાં આવી રહી છે ભારતે નેપાળના વડાપ્રધાન બલેન શાહને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત અને નેપાળ વચ્ચેના સીમા વિવાદમાં કોઈપણ ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા રહેશે નહીં. બંને દેશો આ મુદ્દાને પરસ્પર સહમતિથી જ ઉકેલશે. ભારતનું આ નિવેદન બાલેન શાહના તે દાવા બાદ આવ્યું છે, જેમાં તેમણે કહ્યું હતું કે નેપાળે પણ ભારતના કેટલાક વિસ્તારો પર કબજાે કરી રાખ્યો છે.ભારતીય વિદેશ વિભાગના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, અમે નેપાળના વડાપ્રધાનની ટિપ્પણીઓ અને ત્યારબાદ નેપાળના વિદેશ મંત્રાલય તરફથી આવેલા નિવેદનને જાેયું છે. ભારત-નેપાળ સરહદનો લગભગ ૯૮ ટકા હિસ્સો સીમાંકિત થઈ ચૂક્યો છે, તેમ છતાં ગંડક નદીનો માર્ગ બદલાવાને કારણે અમુક હિસ્સાના ઉકેલની પ્રક્રિયા હજુ બાકી છે. વિદેશ મંત્રાલયે વધુમાં સ્પષ્ટ કર્યું કે, સરહદી વિસ્તારોમાં દબાણ અને ‘નો મેન્સ લેન્ડ’ પર કબજાના જે કેસ સામે આવ્યા છે, તેની સંયુક્ત રીતે મેપિંગ કરવામાં આવી રહી છે. સરહદ સંબંધિત તમામ પાસાઓને ઉકેલવા માટે ભારત અને નેપાળે દ્વિપક્ષીય તંત્ર સ્થાપિત કરેલા છે. સંબંધિત તમામ પક્ષોએ એ સમજવું જાેઈએ કે આ ભારત અને નેપાળનો સંપૂર્ણપણે દ્વિપક્ષીય મામલો છે, જેમાં કોઈ પણ ત્રીજા પક્ષની દરમિયાનગીરીને સ્થાન નથી.નેપાળની શાસક પક્ષ રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (આરએસપી) ના અધ્યક્ષ રવિ લામિછાન પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે આવ્યા હતા. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન સાથે પ્રતિનિધિ મંડળે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે લામિછાનની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય વિકાસ સહયોગ અને લોકો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રી જયશંકરે ‘એક્સ’ પર તસવીર શેર કરીને જણાવ્યું હતું કે, આ સંબંધો વિકાસ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે.





