Pakisatan: પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સ્થાપક અને જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને બુધવારે આરોપ લગાવ્યો હતો કે આર્મી ચીફ જનરલ અસીમ મુનીર તેમની પત્ની બુશરા બીબીની કેદ માટે સીધા જવાબદાર છે. તમને જણાવી દઈએ કે બુશરા બીબીને ભ્રષ્ટાચારના મામલામાં તેમજ ઈમરાન ખાન સાથે ગેરકાયદેસર લગ્નના કેસમાં દોષિત ઠેરવવામાં આવી હતી. ઈસ્લામાબાદમાં તેમના બાની ગાલા નિવાસસ્થાને તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.
બુશરાને દોષિત ઠેરવનારા જજે કહ્યું કે…
તહરીક-એ-ઈન્સાફના સ્થાપકે અદિયાલા જેલમાં પત્રકારો સાથે વાત કરતા સેના પ્રમુખ પર અનેક આરોપો લગાવ્યા હતા. આ સંબંધમાં ખાનના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક લાંબી પોસ્ટ અપલોડ કરવામાં આવી છે. ઈમરાન ખાને કહ્યું, “મારી પત્નીને આપવામાં આવેલી સજામાં જનરલ અસીમ મુનીર સીધા સામેલ છે.” તેમણે દાવો કર્યો કે બુશરાને દોષિત ઠેરવનારા જજે કહ્યું કે તેમને આ ચુકાદો આપવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.
જો મારી પત્નીને કંઈ થશે તો હું અસીમ મુનીરને નહીં છોડું
ઈમરાન ખાને કહ્યું, “જો મારી પત્નીને કંઈ થશે તો હું અસીમ મુનીરને નહીં છોડું. હું જ્યાં સુધી જીવતો છું ત્યાં સુધી અસીમ મુનીરને નહીં છોડું. હું તેમના ગેરબંધારણીય અને ગેરકાયદેસર પગલાંનો પર્દાફાશ કરીશ.” ઈમરાન ખાને કહ્યું કે દેશમાં જંગલરાજ છે અને બધું જ જંગલનો રાજા કરી રહ્યો છે.
તેમણે એમ પણ કહ્યું કે પીટીઆઈને પેટાચૂંટણી લડવાથી રોકવામાં આવી રહી છે. ઈમરાન ખાનના આ ગંભીર આરોપોનો સેનાએ હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.