આયાતે તોડ્યો નવો રેકોર્ડ અમેરિકાની ટેરિફની ધમકી છતાં રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર જુલાઈમાં કુલ આયાતનો ૫૦%થી વધુ હિસ્સો રશિયાનો; ડિસ્કાઉન્ટેડ ઓઇલથી ભારતને આર્થિક ફાયદો અમેરિકાની સંભવિત ટેરિફની ચેતવણી છતાં ભારતે જુલાઈ ૨૦૨૬ દરમિયાન રશિયા પાસેથી રેકોર્ડ સ્તરે ક્રૂડ ઓઇલની આયાત કરી છે. અંદાજે દરરોજ ૫૦ લાખ બેરલની કુલ આયાતમાંથી ૨૭થી ૨૮ લાખ બેરલ ક્રૂડ રશિયાથી આવ્યું, જેના કારણે પ્રથમ વખત ભારતની કુલ ક્રૂડ આયાતમાં રશિયાનો હિસ્સો ૫૦ ટકાથી વધુ નોંધાયો છે.
આંકડાઓ મુજબ રશિયા ભારતનો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર બની રહ્યો છે, જ્યારે યુએઈ અને સાઉદી અરેબિયા અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે. બંને દેશોનો સંયુક્ત પુરવઠો પણ રશિયાની સરખામણીએ ઓછો રહ્યો છે.આ વધારો એવા સમયે નોંધાયો છે જ્યારે અમેરિકા રશિયાથી તેલ ખરીદતા દેશો સામે વધારાના ટેરિફ સહિતના પગલાં પર વિચાર કરી રહ્યું છે. તેમ છતાં ભારતે પોતાની ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને ડિસ્કાઉન્ટેડ રશિયન ક્રૂડની ખરીદી ચાલુ રાખી છે.
ઊર્જા વિશ્લેષકોના મતે ભારતની ઊર્જા સ્ત્રોતોમાં વૈવિધ્ય લાવવાની નીતિ સફળ રહી છે. રશિયા તરફથી મળતા ડિસ્કાઉન્ટેડ ક્રૂડને કારણે આયાત ખર્ચમાં રાહત મળી છે, જેનાથી રિફાઇનરીઓને સ્પર્ધાત્મક લાભ મળ્યો છે અને દેશના વેપાર તથા રાજકોષીય સંતુલન જાળવવામાં પણ મદદ મળી છે.
પશ્ચિમ એશિયામાં ભૂરાજકીય અનિશ્ચિતતા વચ્ચે રશિયા ભારત માટે વિશ્વસનીય અને મહત્વપૂર્ણ ઊર્જા ભાગીદાર તરીકે વધુ મજબૂત બનીને ઉભર્યું છે.





