પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફે યુદ્ધની આપી ધમકી ‘મે ૨૦૨૫ કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપીશું’ : શાહબાઝ શરીફ શાહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડીખમ ઊભો રહ્યો છે
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્વતંત્રતા દિવસના પ્રસંગે ભારત સામે ફરી એકવાર આક્રમક અને તીખા તેવર બતાવ્યા છે. ઇસ્લામાબાદમાં યોજાયેલા ‘યાદગાર-એ-ફતહ’ કાર્યક્રમ દરમિયાન શાહબાઝ શરીફે સિંધુ જળ સંધિ અંગે ભારતને સીધી ચેતવણી આપી હતી. તેમણે દાવો કર્યાે હતો કે પાકિસ્તાનના પાણીનું એક-એક ટીંપું તેની ‘રેડ લાઇન’ છે અને જાે ભારત પોતાના વલણથી પીછેહઠ નહીં કરે તો પાકિસ્તાન તેનો સીધો જવાબ આપશે.ઉલ્લેખનીય છે કે, એપ્રિલ ૨૦૨૫માં થયેલા પહલગામ આતંકી હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી, ત્યારથી જ પાકિસ્તાન છંછેડાયેલું છે. આ ઉપરાંત મે ૨૦૨૫માં ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ ભારતે પાકિસ્તાનમાં ડીપ સ્ટ્રાઇક કરીને આતંકી ઠેકાણાઓને નેસ્તનાબૂદ કર્યા હતા.શાહબાઝ શરીફે મે ૨૦૨૫ના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “પાકિસ્તાન શાંતિ, સન્માન અને ગૌરવ સાથે ઊભું છે, પરંતુ તેને અમારી નબળાઈ ન સમજવી જાેઈએ.” તેમણે ચેતવણી આપતા ઉમેર્યું કે જાે ભવિષ્યમાં કોઈ પાકિસ્તાનની સાર્વભૌમત્વ અને સુરક્ષાને પડકારશે તો તેને મે ૨૦૨૫ કરતાં પણ વધુ તાકાતથી જવાબ આપવામાં આવશે. જાેકે, મે ૨૦૨૫ના સંઘર્ષ બાદ બંને દેશો સીઝફાયર (યુદ્ધવિરામ) પર સહમત થયા હતા.પોતાના સંબોધનમાં પાકિસ્તાની વડાપ્રધાને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પણ ઉલ્લેખ કર્યાે હતો. તેમણે દાવો કર્યાે હતો કે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સમયસર સીઝફાયર કરાવવામાં ઐતિહાસિક ભૂમિકા ભજવી હતી, જેનાથી લાખો લોકોના જીવ બચ્યા હતા. (જાેકે ભારત હંમેશાં સીઝફાયરમાં ત્રીજા દેશની મધ્યસ્થતાના દાવાને નકારતું રહ્યું છે).શાહબાઝ શરીફે ચીનને પાકિસ્તાનનો એવો મિત્ર ગણાવ્યો જે દરેક મુશ્કેલ સમયમાં હિમાલયની જેમ અડીખમ ઊભો રહ્યો છે. આ ઉપરાંત તેમણે સાઉદી અરેબિયા સાથે થયેલા સંરક્ષણ કરાર અને તેમાં તૂર્કિયેના જાેડાવાનો પણ ઉલ્લેખ કર્યાે હતો. એક તરફ શાંતિની વાતો અને બીજી તરફ ભારત સામે આક્રમક ધમકીઓ આપતું શાહબાઝ શરીફનું આ નિવેદન દર્શાવે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થવા છતાં પાકિસ્તાન તરફથી રાજકીય નિવેદનબાજી અને ઝેર ઓકવાનું ચાલુ જ છે.





