
હોર્મુઝમાં હાઈ ટેન્શન.ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવતા જહાજ પર ઈરાનનો હુમલો.હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ નથી.હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની જળસીમા પાસે ત્રણ અલગ-અલગ વેપારી જહાજાે પર ગોળીબારની ઘટના સામે આવી છે. રોયટર્સના રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા મુજબ આ હુમલા છતાં ક્રૂના કોઈપણ સભ્યને ઈજા થઈ હોવાના સમાચાર નથી અને તમામ સુરક્ષિત છે. રાહતની વાત એ છે કે જહાજાેમાં આગ લાગવાની કે કોઈપણ પ્રકારના પર્યાવરણીય નુકસાનના અહેવાલ મળ્યા નથી. એવું કહેવાય છે કે, આ પૈકી અમુક જહાજ ગુજરાતના મુદ્રા પોર્ટ પર આવી રહ્યા હતા. એક જહાજે રિપોર્ટ આપ્યો છે કે ફાયરિંગ પહેલા એક IRGC (ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ) ગનબોટ તેની ખૂબ નજીક આવી ગઈ હતી. આ ઘટનાઓએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપાર માર્ગ પર સુરક્ષા સંબંધી ચિંતાઓને ફરી વધારી દીધી છે, ખાસ કરીને એવા સમયે જ્યારે મધ્ય પૂર્વમાં પહેલેથી જ અસ્થિરતા પ્રવર્તી રહી છે.
રોયટર્સના જણાવ્યા અનુસાર, ઓમાનના ઉત્તર-પૂર્વમાં ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)થી હુમલો થયા બાદ, લાઇબેરિયાના ધ્વજ ધરાવતા એક કન્ટેઇનર જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે.UKMTOએ જણાવ્યું કે જહાજના કેપ્ટને માહિતી આપી છે કે IRGCની એક ગનબોટ તેમના જહાજની નજીક આવી રહી હતી.UKMTO મુજબ, ત્યારબાદ જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જહાજના તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે અને આ ઘટનાને કારણે જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણને કોઈ નુકસાન પહોંચવાની કોઈ ઘટના બની નથી. દરિયાઈ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે તે ગનબોટ પર ત્રણ લોકો સવાર હતા. ગ્રીક સંચાલિત કન્ટેઇનર જહાજના કેપ્ટને એમ પણ જણાવ્યું હતું કે ઘટના પહેલા કોઈ રેડિયો સંપર્ક થયો ન હતો અને જહાજને શરૂઆતમાં એવી જાણકારી આપવામાં આવી હતી કે તેને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી છે.





