Helicopter Crash News: મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા(Raigad)ના મહાડ(Mahad)માં મોટી હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે, શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારે(Sushma Andhare)ને જાહેર સભામાં લઇ જવા આવેલું હેલિકોપ્ટર ક્રેશ(Helicopter Crash) થયું હતું. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં સવાર થાય એ પહેલા જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, અહેવાલ મુજબ પાયલોટ પણ સુરક્ષિત છે. હેલિકોપ્ટર ક્રેશ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
ગઈકાલે શિવસેના (UBT)ના નેતા સુષ્મા અંધારેને મહાડમાં સભા કરી હતી. રાત પડી હોવાથી તેઓ ત્યાં જ રોકાઈ ગયા હતા. આજે સવારે 9.30 વાગે સુષ્મા અંધારે હેલીકોપ્ટર મારફતે બારામતી તરફ રવાના થવાના હતા. સુષ્મા અંધારે હેલિકોપ્ટરમાં સવાર થાય એ પહેલા હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું. સદનસીબે જાનહાની ટળી હતી. હેલિકોપ્ટર ક્રેશ થવાનો દ્રશ્યો કેમેરામાં રેકોર્ડ થઇ ગયા છે, આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, સુષ્મા અંધારેએ પોતે જ ક્રેશનો વીડિયો પોસ્ટ કર્યો છે.
બારામતીમાં આયોજિત મહિલા મેળામાં ભાગ લેવા માટે સુષ્મા અંધારે મહાડથી બારામતી જવા રવાના થયા હતા. હેલિકોપ્ટર અકસ્માત સુષ્મા અંધારેની સામે જ થયો હતો. આ અકસ્માતમાં હેલિકોપ્ટરના ટુકડા થઈ ગયા હતા. હેલિકોપ્ટરનો પાયલોટ સુરક્ષિત છે. સ્થાનિક લોકોની મદદથી પાયલટને બહાર કાઢવામાં આવ્યો હતો.
હેલિકોપ્ટર લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું, અચાનક હેલીકોપ્ટર પરથી પાયલોટે કાબુ ગુમાવ્યો હતો અને ક્રેશ થયું. પાયલોટ હેલિકોપ્ટરમાંથી કૂદવામાં સફળ રહ્યો અને જેના કારણે તેનો આબાદ બચાવ થયો હતો.
ઘટનાની તપાસ માટે પોલીસ અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુષ્મા અંધારે નિર્ધારિત ચૂંટણી સભાઓ માટે કારમાં રવાના થયા હતા.