Gujarat: ગુજરાતના આણંદ શહેર નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર સોમવારે સવારે એક ઝડપી ટ્રકે પાર્ક કરેલી બસને ટક્કર મારી હતી, જેમાં છ લોકોના મોત થયા હતા અને છ વધુ ઘાયલ થયા હતા. આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના ચિખોદ્રા ગામ નજીક સવારે 4.30 વાગ્યાની આસપાસ અમદાવાદ તરફ જતી ખાનગી લક્ઝરી બસનું ટાયર ફાટવાને કારણે તે રોડની બાજુમાં ઉભેલી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે ટાયર બદલવામાં આવી રહ્યું હતું, ત્યારે બસના મુસાફરો નીચે ઉતર્યા હતા અને તેમાંથી કેટલાક વાહનની સામે રાહ જોઈ રહ્યા હતા જ્યારે ઝડપી ટ્રકે બસને પાછળથી ટક્કર મારી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસ મહારાષ્ટ્રથી રાજસ્થાન જઈ રહી હતી અને આણંદ પાસે બસમાં પંચર પડી ગયું હતું. જેના કારણે બસના ડ્રાઈવર અને મુસાફરો બસની નીચે ઉભા હતા ત્યારે પાછળથી એક ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતના સમાચાર મળતા જ આણંદ ફાયર વિભાગ, એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તમામ ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પાંચ લોકોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. તેમણે કહ્યું કે મૃતકોમાં બસ ડ્રાઈવર પણ સામેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષોનો સમાવેશ થાય છે અને તેઓની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 12 જુલાઈના રોજ ગુજરાતના પાટણમાં એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ત્યારે પણ બસ અને ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં બસના ડ્રાઈવર અને કંડક્ટરનું પણ મોત થયું હતું. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરે પણ જીવ ગુમાવ્યો હતો.