રણજી ટ્રોફી 2024-25 પહેલા મોટી માહિતી સામે આવી રહી છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી લાંબા સમય બાદ રણજી ટ્રોફીમાં રમતા જોવા મળી શકે છે. જો આમ થશે તો વિરાટ કોહલી લગભગ 12 વર્ષ બાદ રણજી ટ્રોફીમાં વાપસી કરશે. આ પહેલા તે છેલ્લે 2012-13ની રણજી ટ્રોફી સીઝનમાં દિલ્હી તરફથી રમ્યો હતો. જો કે, આ પછી, વિરાટ કોહલીનું નામ રણજી ટ્રોફી 2019-20 સીઝન માટે દિલ્હીની ટીમમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ તે રમ્યો ન હતો. પરંતુ એવું માનવામાં આવે છે કે તે લગભગ 12 વર્ષ બાદ ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે.
અગાઉ એવી અટકળો હતી કે વિરાટ કોહલી દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટમાં રમી શકે છે, પરંતુ તે છેલ્લી ક્ષણે રમ્યો નહોતો. વાસ્તવમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી છે. આવી સ્થિતિમાં BCCI વિરાટ કોહલીને લઈને કોઈ જોખમ લેવાના મૂડમાં ન હતું. જો કે વિરાટ કોહલી રણજી ટ્રોફીમાં રમશે કે કેમ તે અંગે શંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી કદાચ પહેલા હાફમાં નહીં રમે, પરંતુ તે બીજા હાફમાં રમી શકે છે.
DDCA એ 84 ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ યાદીમાં વિરાટ કોહલી ઉપરાંત ઋષભ પંત અને હર્ષિત રાણા જેવા નામ સામેલ છે, પરંતુ ઈશાંત શર્માનું નામ નથી. આ અંગે DDCAનું કહેવું છે કે મોટાભાગના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ડ્યુટી પર છે. આ પછી ખેલાડીઓનો ફિટનેસ ટેસ્ટ કરાવવો પડશે. જે બાદ ખેલાડીઓના નામ પર મહોર લગાવવામાં આવશે.