તેલંગાણા સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે રૂ. 2.75 લાખ કરોડનું એકાઉન્ટ બજેટ રજૂ કર્યું. નાયબ મુખ્યમંત્રી મલ્લુ ભાટી વિક્રમાર્કાએ શનિવારે આ બજેટ રજૂ કર્યું હતું. તમને જણાવી દઈએ કે આ કુલ બજેટમાં મહેસૂલી ખર્ચ 2,01,178 કરોડ રૂપિયા અને મૂડી ખર્ચ 29,669 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. શાસક કોંગ્રેસની છ ચૂંટણી ગેરંટીઓના અમલીકરણ માટે સરકારે રૂ. 53,196 કરોડની દરખાસ્ત કરી હતી.
ડિસેમ્બર, 2023માં સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસ સરકાર દ્વારા રજૂ કરવામાં આવનાર આ પહેલું વચગાળાનું બજેટ છે. જેમાં કૃષિ માટે 19,746 કરોડ રૂપિયા અને સિંચાઈ માટે 28,024 કરોડ રૂપિયાની દરખાસ્ત કરવામાં આવી છે.
નાણામંત્રીએ અગાઉની BRS સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા
બજેટ રજૂ કરતી વખતે, વિક્રમાર્કાએ અગાઉની BRS સરકાર પર રાજ્યને નાદાર બનાવવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે બિનઆયોજિત દેવાનો બોજ હવે એક પડકાર બની રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે, ‘તેમ છતાં, અમે આયોજિત વિકાસ લક્ષ્યાંકો સાથે લોકોની સાથે ઊભા રહીશું.’
કોંગ્રેસ સરકાર રોજબરોજની સરકારી કામગીરીમાં નકામા ખર્ચમાં ઘટાડો કરવાની અને અયોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એસેટ પર થતા ખર્ચને રોકવાની યોજના ધરાવે છે. નાણામંત્રીએ કહ્યું, ‘અમારું બજેટ સર્વાંગી વિકાસ, પ્રગતિ અને લોકોના સુખ પર કેન્દ્રિત છે.’
બજેટનું કેન્દ્રિય ફોકસ તેલંગાણાનો સર્વાંગી વિકાસ છે.
વિક્રમાર્કાના મતે, બજેટનો હેતુ તેલંગાણામાં ‘ઇન્દિરમ્મા રાજ્યમ’ (પૂર્વ પીએમ ઇન્દિરા ગાંધીનું કલ્યાણકારી શાસન) સ્થાપિત કરવાની કોંગ્રેસ સરકારની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાનો છે. બજેટનું કેન્દ્રિય ફોકસ તેલંગાણાનો સર્વાંગી વિકાસ છે, એમ તેમણે જણાવ્યું હતું.