
ગૌ-હત્યા સામે સરકારની કડક કાર્યવાહી દુધરેજ ધામમાં હોળી મહોત્સવની ભવ્ય ઉજવણી આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી.
સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિરના આંગણે ભવ્ય ‘હોળી મહોત્સવ‘નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી.
તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા પૂજ્ય કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસથી જ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો છે. તેમણે ગૌરવભેર ઉમેર્યું કે, “રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધારને કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮ થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે.” વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવી ગૌભક્તોની લાગણીનું સન્માન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
યાત્રાધામના વિકાસ અંગે મોટી જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા ૪.૫૦ કરોડ ઉપરાંત વધારાના ૨ કરોડ મળી કુલ રૂ. ૬.૫૦ કરોડના વિકાસકામો હાથ ધરવામાં આવશે. આ જાહેરાતથી માલધારી સમાજ અને શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક અને એસપી પ્રેમસુખ ડેલુ જેવા વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. અંતમાં તેમણે સૌને સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરવા અપીલ કરી હતી.




