દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં રવિવારે એક નાનું વિમાન દુકાનોમાં અથડાયું હતું. આશંકા છે કે વિમાનમાં સવાર તમામ 10 મુસાફરોના મોત થઈ શકે છે. સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, પ્લેન ક્રેશમાં કોઈના બચવાની આશા નથી. બ્રાઝિલના ગવર્નર એડ્યુઆર્ડો લિટેએ સોશિયલ મીડિયા પર આ ઘટનાની માહિતી આપી હતી. “હું ગ્રામાડોમાં વિમાન દુર્ઘટનાની દુ:ખદ ઘટના પર નજર રાખી રહ્યો છું. રાજ્ય સુરક્ષા દળો સાથે મળીને, અમે તમામ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ,” તેમણે કહ્યું.
પ્લેન સૌથી પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું હતું. તે પછી તે ઘરના બીજા માળે અથડાયું અને અંતે ફર્નિચરની દુકાન સાથે અથડાયું. અકસ્માતને કારણે આસપાસના વિસ્તારમાં આગ લાગી હતી અને કેટલોક કાટમાળ નજીકના ગેસ્ટ હાઉસમાં પહોંચી ગયો હતો.
“હાલમાં પ્રાથમિકતા એ સુનિશ્ચિત કરવાની છે કે વિસ્તારને અલગ રાખવામાં આવે અને ઘાયલોને સારવાર આપવામાં આવે. પ્રારંભિક માહિતી સૂચવે છે કે વિમાનમાં સવાર લોકો બચી શક્યા નથી,” લીટેએ જણાવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ગ્રામાડો રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યનું સૌથી લોકપ્રિય પર્યટન સ્થળ છે. તે આ વર્ષે પૂરથી પ્રભાવિત થઈ ચૂક્યું છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું. આ અકસ્માત ક્રિસમસના થોડા દિવસ પહેલા થયો હતો.
બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 થયો છે
આ દરમિયાન બ્રાઝિલના દક્ષિણ-પૂર્વ ભાગમાં વધુ એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો. શનિવારે બસ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ગયો છે. રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ તેને ભયાનક દુર્ઘટના ગણાવી. મિનાસ ગેરાઈસ રાજ્યના ટીઓફિલો ઓટની શહેરની નજીક થયેલા બસ અકસ્માતને 2007 પછીનો દેશનો સૌથી મોટો માર્ગ અકસ્માત તરીકે જોવામાં આવી રહ્યો છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે દુર્ઘટના સ્થળેથી 41 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે.