
વિશ્વના ૬૦ મુસ્લિમ દેશોની ઈમરજન્સી બેઠક યોજાઇ ઇઝરાયેલના હમાસ પર હુમલા અંગે વાતચીત કરવામાં આવી હતી જેમાં UAEથી લઈને પાકિસ્તાનના PM સહિતના લોકોએ હાજરી આપી.
૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કતારની રાજધાની દોહામાં ૬૦ મુસ્લિમ દેશોની ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. જેમાં, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન (OIC) ના સભ્ય દેશો અને આરબ દેશોએ બેઠકમાં હાજરી આપી હતી. OIC ની આ ઈમરજન્સી બેઠક કતારમાં ઇઝરાયેલી હુમલા અંગે યોજાઈ હતી, જેમાં તમામ દેશોને ઇઝરાયેલ સામે કાનૂની અને અસરકારક પગલાં લેવા અપીલ કરવામાં આવી હતી.
પાકિસ્તાની અખબાર ધ ડોનના અહેવાલ મુજબ, ગયા અઠવાડિયે ઇઝરાયેલે કતારમાં હમાસ નેતાઓને નિશાન બનાવ્યા હતા અને હુમલો કર્યો હતો. બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, આ અધિકારીઓ ગાઝા યુદ્ધવિરામ પ્રસ્તાવ પર ચર્ચા કરી રહ્યા હતા, પરંતુ ઇઝરાયેલે આ હુમલો કરીને તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે, તેથી તેની સામે કડક કાર્યવાહી કરવી જાેઈએ. હમાસનું કહેવું છે કે, ઇઝરાયેલી હુમલામાં ૬ લોકો માર્યા ગયા છે. જાેકે, હમાસના ટોચના અધિકારીઓ બચી ગયા છે.
OIC દેશોએ સંયુક્ત નિવેદનમાં અપીલ કરી છે કે, દરેક વ્યક્તિએ ઇઝરાયેલ વિરુદ્ધ કાયદેસર અને કડક પગલાં લેવાની જરૂર છે, અને બધા દેશોએ તેની સાથેના તેમના રાજદ્વારી અને આર્થિક સંબંધો પર પણ ધ્યાન આપવું જાેઈએ, કારણ કે તે લગભગ બે વર્ષથી પેલેસ્ટિનિયનો પર હુમલો કરી રહ્યું છે. આ દેશોએ સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયેલનું સભ્યપદ સમાપ્ત કરવા માટે પ્રયાસો કરવાની પણ અપીલ કરી છે. બેઠકનો હેતુ ઇઝરાયેલ પર દબાણ લાવવાનો હતો, જેથી ગાઝામાં તેના ચાલી રહેલા હુમલાઓને રોકી શકાય.
બેઠકમાં ૬૦ દેશોના વડાપ્રધાનો અને રાષ્ટ્રપતિઓએ હાજરી આપી હતી, પરંતુ સંયુક્ત આરબ અમીરાત, બહેરીન અને મોરોક્કોએ બેઠક માટે પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા હતા.




