
રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની સરકારી શાળા નથી.૪ ગ્રાન્ટેડ શાળામાંથી ૨ માં એડમિશન મળવા મુશ્કેલ, એક માત્ર ગર્લ્સ માટે તો અન્ય સ્કૂલ ઓક્સિજન ઉપરસૌરાષ્ટ્રના શિક્ષણના હબ ગણાતા રાજકોટમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની એક પણ સરકારી શાળા ન હોવી તે ખૂબ જ દુ:ખની બાબત છે. ૨૦ લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ સરકારી શાળાઓ મૃતપ્રાય: અવસ્થામાં જઈ રહી છે. આ વચ્ચે રાજકોટના વેપારી સંગઠનો દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીથી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી છે આમ છતાં વિદ્યાર્થીઓના પ્રાણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. રાજકોટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંગ્રેજી માધ્યમની ૪ ગ્રાન્ટેડ શાળાઓ છે. જેમાંથી ૨ શાળાઓમાં સામાન્ય વિદ્યાર્થીઓને એડમિશન મળવા મુશ્કેલ છે ત્યારે અન્ય એક શાળા માત્ર ગર્લ્સ માટે છે. આ સિવાયની એક શાળા ઓક્સિજન ઉપર ચાલતી હોવાના આક્ષેપો થયા છે. જેથી રાજકોટ શહેરમાં ધોરણ ૯ થી ૧૨ ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે. શહેરના ભગવતીપરામાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે જેમાં નવા શૈક્ષણિક સત્રથી પ્રવેશ શરૂ થશે તેવું જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે.
રાજકોટના વેપારી જયદીપ પરમારે જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની ધો.૯ થી ૧૨ ની સરકારી શાળા એક પણ નથી અને ગ્રાન્ટેડ શાળા માત્ર ૪ છે. જેમાંથી ૨ શાળા એવી છે કે જેમાં સામાન્ય બાળકને પ્રવેશ મેળવવો મુશ્કેલ છે. આ સિવાયની એક સ્કુલ એવી છે કે જે માત્ર દીકરીઓ માટે છે બાકીની એક શાળા ઓક્સિજન ઉપર છે. હાલ જે રીતે શિક્ષણનું ખાનગીકરણ થઈ રહ્યું છે ત્યારે અંગ્રેજી માધ્યમની વધુમાં વધુ સરકારી શાળાઓ શરૂ થાય. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમે સમગ્ર સમાજને કહેવા માગીએ છીએ કે સરકારી શાળામાં કાબિલિયત શિક્ષકો હોય છે કારણકે આ શિક્ષકો ્ઈ્ અને ્છ્ ઉપરાંત ઁ્ઝ્ર અને મ્.ીડ્ઢ. જેવી પરીક્ષાઓ પાસ કરીને શિક્ષક બને છે. જેથી તમામ લોકોએ પોતાના બાળકોને સરકારી શાળામાં જ ભણાવવા જાેઈએ કારણ કે ખાનગી શાળામાં લાયકાત વાળા શિક્ષકો ખૂબ જ ઓછા હોય છે.
સૌરાષ્ટ્રનું શિક્ષણનું હબ ગણાતા રાજકોટ શહેરમાં ૨૦ લાખની વસ્તી વચ્ચે એક પણ સરકારી ધો. ૯ થી ૧૨ ની અંગ્રેજી માધ્યમની શાળા નથી. તે ખૂબ જ દુ:ખની બાબત છે અને તેટલા માટે જ અમે તમામ વેપારી સંગઠનોએ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી, કમિશનર ઓફ સ્કૂલ અને મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સમક્ષ રજૂઆત બાદ ચીફ મિનિસ્ટર ઓફિસમાંથી ઇમેલ પણ આવ્યો હતો કે અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયમ અનુસારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જેથી વાલીઓને અપીલ છે કે તેઓ જાગે. તો આ રીતે જ થયું તો ભારત મહાસત્તા કેવી રીતે બની શકશે. તેમણે અંતમાં જણાવ્યું હતું કે અમારી સાથે અલગ અલગ વેપારી સંગઠનો જાેડાયેલા છે જેમકે હોલસેલ ટેક્સટાઈલ મર્ચન્ટ એસોસિએશન, ગુંદાવાડી વેપારી એસોસિયેશન, વિવિધ જ્ઞાતિ સંગઠનો, સિંધી સમાજ અને મોચી સમાજે લેખિતમાં ટેકો આપ્યો છે. જ્યારે વેપારી આગેવાન પરસોતમ પમનાણીએ જણાવ્યુ હતુ કે, ધોરણ ૯ થી ૧૨ ની અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવી એ સર્વે જ્ઞાતિનું અભિયાન છે જેથી તમામ સાથ સહકાર આપવો જાેઈએ.
જ્યારે આ બાબતે રાજકોટ ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલને જણાવ્યુ હતુ કે, રાજકોટમાં હાલ ધો.૯ થી ૧૨ માં ગુજરાતી માધ્યમની સરકારી કરણસિંહજી અને બાયસાહેબબા હાઈસ્કૂલ છે. જ્યારે નવી ૨ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા માટેની તૈયારી છે જેમાં ભગવતીપરામાં ધોરણ ૯ થી ૧૨ ની અંગ્રેજી માધ્યમની સરકારી શાળા શરૂ કરવામાં આવી છે. જેમાં જૂન – ૨૦૨૬ થી એડમિશન પ્રક્રિયા શરૂ થશે. જેમાં ધોરણ ૯ માં ૬૦ અને ધોરણ ૧૦ માં ૬૦ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. નોંધનીય છે કે, ગ્રાન્ટેડમાં સેન્ટ મેરી અને જી. ટી. શેઠ ગર્લ્સ અને બોયઝ માટે છે. જ્યારે પી. બી. કોટક માત્ર ગર્લ્સ માટે છે તો માતૃ મંદિર સ્કૂલ બંધ થવાના આરે છે.




