
ઠગની નવી સ્કીમ વાપરી રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા રડતા રડતાં વૃદ્ધને ફોન કરી સાયબર ગઠિયાએ ૫.૫૫ લાખનો ચૂનો લગાવ્યો
વૃદ્ધને ઠગાઈ ગયો હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી
હવે સાયબર ગઠિયાઓ નવી મોડેસ ઓપરેન્ડીથી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. વાડજના વૃદ્ધને સાયબર ગઠિયાએ રડતાં રડતાં કોલ કર્યાે અને કહ્યું કે “ભૂલથી તમારા એકાઉન્ટમાં ક્લોઝ પેમેન્ટની રકમ આવી ગઈ છે” તે પરત કરી દો તો તમારી મહેરબાની. આવું કહી ગૂગલ પે મારફતે વારંવાર રકમ પરત મગાવી આખરે ૫.૫૫ લાખ રૂપિયા પડાવી લીધા હતા. વૃદ્ધને વિશ્વાસમાં લેવા માટે ગઠિયો તેમને રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા હોવાનો ટેક્સ્ટ મેસેજ પણ વોટ્સએપ કરતો હતો. આખરે વૃદ્ધને ઠગાઈ ગયો હોવાનો અહેસાસ થતાં તેમણે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.વાડજમાં રહેતા સિનિયર સિટિઝન (૭૪) નિવૃત્ત જીવન ગુજારે છે.
તે ૧૦મી ફેબ્રુઆરીએ પોતાના ઘરે બેઠા હતા ત્યારે જ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ રડતા અવાજમાં જણાવ્યું કે તેના મોબાઈલમાંથી ભૂલથી “ક્લોઝ પેમેન્ટ”ની રકમ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ છે. બાદમાં વૃદ્ધને મેસેજ ચેક કરવા કહેવામાં આવ્યું, જેમાં ૪૫,૦૦૦ અને ૫૦,૫૦૦ જમા થયા હોવાનું દર્શાવતું લખાણ હતું.ઠગે કહ્યું કે તે ગૂગલ પેમાં રિક્વેસ્ટ મોકલશે અને કૃપા કરીને રકમ પરત કરી દેવી. વિશ્વાસમાં આવી વૃદ્ધે પ્રથમ ૪૫,૫૦૦ અને ત્યારબાદ ૫૦,૫૦૦ ટ્રાન્સફર કરી દીધા. સામે છેડેથી આભાર માનીને ફોન મૂકી દેવામાં આવ્યો હતો.બીજા દિવસે ફરી ફોન કરીને ઠગે અગાઉની જેમ જ વાત કરી અને ગૂગલ પે રિક્વેસ્ટ મોકલી. આ વખતે ૯૮,૫૦૦ની રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી. ઠગોએ ટ્રાન્ઝેક્શન દર્શાવતા નકલી ટેક્સ્ટ મેસેજ પણ મોકલ્યા, જેથી વૃદ્ધને શંકા ન જાય. આમ, અલગ અલગ દિવસોમાં ગૂગલ પે રિક્વેસ્ટ મોકલી અને ફોન પર દબાણ બનાવી કુલ ૫.૫૫ લાખ રૂપિયા પડાવી લીધા. આ ઘટના અંગે શંકા જતા વૃદ્ધે બેંક સ્ટેટમેન્ટ ચકાસ્યું ત્યારે જાણવા મળ્યું કે તેમના ખાતામાં કોઈ રકમ જમા થઈ જ નહોતી. ત્યારબાદ તેમણે ઠગોને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યાે, પરંતુ બંને નંબર બંધ મળ્યા હતા.




