
આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ સંગઠન પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ રામ, આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકી તેમજ આપ નેતા જીગીશાબેન પટેલ દ્વારા જસદણમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પત્રકાર પરિષદને સંબોધન કરતા આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે જણાવ્યું હતું કે આજે મને આનંદ છે કે સોમનાથથી શરૂ કરેલી “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા”, આજે ઘેલા સોમનાથમાં દર્શન કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે હોળી- ધૂળેટીને સૌને શુભકામના પાઠવું છું. પરંતુ દુ:ખની વાત એ છે કે ભાજપના ઘરે દિવાળી છે અને ખેડૂતોના ઘરે હોળી છે. ભાજપના લોકોના કેટલાકના ઘરમાં ભ્રષ્ટાચારથી પૈસાના ખિસ્સા ભરેલા છે, જ્યારે મારા ખેડૂતના ઘર ખાલી છે.એટલા માટે ખેડૂતો માટે ૧૦૮ દિવસની લાંબી જેલ યાત્રા કાપ્યા બાદ આમ આદમી પાર્ટી દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમનાથથી શરૂ થયેલી આ યાત્રા ખેડૂતોના પ્રશ્નોને લઈને સમગ્ર રાજ્યમાં ફરી રહી છે. ભારત-અમેરિકા ટ્રેડ ડીલથી ખેડૂતોને થનારી સંભાવિત નુકસાની જેવા મુદ્દાઓ પર જાગૃતિ લાવવા માટે વિવિધ વિસ્તારોમાં મુલાકાત લેવામાં આવી રહી છે અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.૮મી તારીખે ગાંધીનગર ખાતે વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવશે. સ્થાનિક મુદ્દાઓ અંગે ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે રસ્તાઓની સ્થિતિ, રેલ સુવિધાની અછત, સિંચાઈના પાણીના પ્રશ્નો, હાઈટેન્શન લાઇનની સમસ્યાઓ, વીજળી તથા પાકના યોગ્ય ભાવ ન મળવાના પ્રશ્નો આજે પણ યથાવત છે.મને જાણવા મળ્યું છે કે ભાજપના લોકો દ્વારા અહીં રેલ આપવાની વાતો થાય છે. રેલ તો આપવામાં આવી નથી, પરંતુ જો ખેડૂત પોતાનો અવાજ ઉઠાવે, તો અમારા જેવા લોકોને જેલ મળે છે, જસદણના લોકોને જેલ મળે છે,આ વાત નજર સામે છે.
પ્રવીણ રામે વધુમાં જણાવ્યું હતું કે બીજી વાત એ પણ જાણવા મળી છે કે અહીંયા આમ આદમી પાર્ટીની મિટિંગ કોઈપણ વિસ્તારમાં થાય અથવા કોઈ ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવે, તો તેમના ઘરે સરકારી એજન્સીઓના દરોડા પડે છે અને દંડ ફટકારવામાં આવે છે. અહીં સ્થિતિ એવી છે કે ભાજપને ફંડ મળે છે અને સામાન્ય ખેડૂતોને દંડ મળે છે,જસદણની આ પરિસ્થિતિ દુઃખદ છે. અહીં ખેડૂતોના અનેક પ્રશ્નો છે, સિંચાઈના પાણીની અછત, હાઈટેન્શન લાઇનની સમસ્યાઓ, વીજળીના પ્રશ્નો તથા અન્ય મૂળભૂત સુવિધાઓની કમી. ઉપરાંત પાકની મોંઘી ખેતી ખર્ચ સામે યોગ્ય ભાવ ન મળવાનો પ્રશ્ન પણ ગંભીર છે. આ પરિસ્થિતિમાં ભાજપના સ્થાનિક નેતાઓને મારી નમ્ર અપીલ છે કે દંડ ફટકારવાની જગ્યાએ ખેડૂતોની સુખાકારી માટે આગામી દિવસોમાં ચોક્કસ અને અસરકારક પગલાં ભરો. ચૂંટણી આવે ત્યારે ખાતમુહૂર્ત અને વચનો આપતા રહેશો, પરંતુ હકીકતમાં ખેડૂતોના પ્રશ્નોનું ઉકેલ લાવવો વધુ જરૂરી છે.ચોમાસા પહેલાં ખાતર, પાણી અને સહાય અંગે આયોજન કરવું જરૂરી છે. ખેડૂતોના પ્રશ્નો પર તથ્ય આધારિત અને ગંભીરતાપૂર્વક કાર્ય કરો. અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોની વચ્ચે જઈ રહી છે અને ગુજરાતના ખેડૂતો આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પરિવર્તન તરફ આગળ વધી રહ્યા છે એવો અમને પૂર્ણ વિશ્વાસ છે.
ત્યારબાદ પ્રેસ કોન્ફરન્સમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ યુવા પ્રમુખ બ્રીજરાજ સોલંકીએ પોતાની વાત રજુ કરતા જણાવ્યું હતું કે, આજે આમ આદમી પાર્ટીની “પરિવર્તન લાવો, ખેડૂત બચાવો યાત્રા” જસદણ પહોંચી છે અને આજે ત્રણથી ચાર ગામડાઓમાં અમે મીટીંગ પણ કરી ચૂક્યા છીએ, જેમાં હજારો ખેડૂતોનું સમર્થન આમ આદમી પાર્ટી અને અમારા ખેડૂત નેતા પ્રવીણ રામને મળ્યું છે. જસદણ-વિંછીયા ખાતે જે સ્થાનિકોના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, તેને લઈને આમ આદમી પાર્ટી વિવિધ રીતે આંદોલનો કરશે. સાથે સાથે ખેડૂતોના દેવા માફીનો પ્રશ્ન હોય, સિંચાઈનું પાણી પહોંચાડવાનો પ્રશ્ન હોય, એમએસપીનો કાયદો બનાવવાની પ્રશ્નો હોય, લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવાનો પ્રશ્ન હોય, આવા તમામ મુદ્દે અમે યાત્રા લઈને નીકળ્યા છીએ. 8 માર્ચે આ યાત્રાનું સમાપન થશે અને ગાંધીનગર ખાતે મહાસભામાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પોતાની હાજરી આપશે અને ખેડૂતો માટે અવાજ ઉઠાવશે.




