
ગુજરાત બોર્ડનો મોટો છબરડો.ધુળેટીના દિવસે ગોઠવી પરીક્ષા! વાલી-વિદ્યાર્થીઓમાં નારાજગી.ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે ૪ માર્ચે વિવિધ વિષયોના પેપરો જાહેર રજાના દિવસે રાખવામાં આવતા ભારે નારાજગી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો ફરી એક છબરડો સામે આવ્યો છે. રંગોના તહેવાર ધુળેટીના દિવસે જ પરીક્ષાનું પેપર મુકાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે નારાજગી જાેવા મળી રહી છે. બોર્ડ દ્વારા જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવવાનો ર્નિણય ચર્ચાનો વિષય બની ગયો છે.
માહિતી મુજબ ૪ માર્ચે ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયનું પેપર લેવામાં આવશે. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસનું પેપર પણ એ જ દિવસે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, ધૂળેટીના દિવસે અર્થશાસ્ત્ર અને નામાના મૂળતત્ત્વોના પેપર પણ મુકાયા છે, જેના કારણે વિદ્યાર્થીઓમાં ગૂંચવણ અને અસંતોષ વધી ગયો છે.
વિશેષ નોંધનીય છે કે વર્ષ ૨૦૨૩માં પણ બોર્ડે ચેટી ચાંદના દિવસે પરીક્ષાનું આયોજન કર્યું હતું, પરંતુ વિદ્યાર્થીઓ અને વાલીઓના ભારે વિરોધ બાદ બોર્ડને ર્નિણય બદલવો પડ્યો હતો. ત્યારે બોર્ડે ભૂલ સ્વીકારી શેડ્યૂલમાં ફેરફાર કર્યો હતો.
આ વખતે પણ જાહેર રજાના દિવસે પરીક્ષા ગોઠવાતા વિદ્યાર્થીઓમાં અસંતોષ વ્યાપ્યો છે. ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે ઉત્સવના દિવસે પરીક્ષાની ચિંતા વચ્ચે તેઓ કેવી રીતે તૈયારીઓ કરી શકશે. વાલીઓએ પણ બોર્ડને વિદ્યાર્થીઓની ભાવનાઓ સમજતા સમયપત્રકમાં જરૂરી બદલાવ કરવાની માંગ કરી છે.




