
BMCની ચૂંટણી માટે તૈયાર કર્યો સીટ શેયરિંગનો પ્લાનમહાયુતિનું ટેન્શન વધારવા માટે ઠાકરે બંધુ એક થયા.બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી : બંને નેતા એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.મહારાષ્ટ્રના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વની ‘બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણી’ લઈને શિવસેના યુબીટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS))ના પ્રમુખ રાજ ઠાકરેએ ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ એક દાયકા જૂના રાજકીય મતભેદો ભૂલી એક થયા છે અને બંને નેતાઓએ ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનને હરાવવાનો પ્લાન ઘડી કાઢ્યો છે. રિપોર્ટ મુજબ, બંને નેતાઓએ સીટ શેયરિંગ ફોર્મ્યૂલા લગભગ ફાઈનલ કરી નાખી છે. ચર્ચા મુજબ બંને નેતાઓ એકબીજાના ઉમેદવારોનો પ્રચાર પણ કરશે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ઠાકરે બંધુઓનું ગઠબંધન ‘MaMu’ ફેક્ટર એટલે કે મરાઠી-મુસ્લિમ સમીકરણને ધ્યાને રાખીને ઉમેદવારો ઉતારશે. યોજના મુજબ બંને પાર્ટીઓ બીએમસીની કુલ ૨૨૭ બેઠકોમાંથી ૭૨ બેઠકો પર મરાઠીઓનું અને ૪૧ બેઠકો પર મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતા વિસ્તારોમાં વધુ ધ્યાન કેન્દ્રીત કરશે. ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી-૨૦૨૪માં આ જ ફેક્ટરનો ઉપયોગ કરીને ગોવંડી, માનખુર્દ, બાયકુલા અને માહિમ જેવા વિસ્તારોમાં ફાયદો મેળ્યો હોવાનું કહેવાય છે.
સીટ શેટરિંગના પ્રાથમિક ફોર્મ્યૂલા હેઠળ શિવસેના યુબીટી ૧૪૦થી ૧૫૦ બેઠકો, જ્યારે એમએનએસ ૬૦થી ૭૦ બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બંને નેતાઓ માટે ચાર મુખ્ય મરાઠી ગઢ વર્લી, દાદર-માહિમ, સિવરી અને વિક્રોલી/ભાંડુપ ખૂબ જ મહત્ત્વના છે, જેના કારણે આ ચારેય બેઠકો પર વાતચીત ચાલી રહી છે. રાજ ઠાકરે આ ચારેય વિસ્તારોમાં ચૂંટણી લડવા માંગે છે, જાેકે આ ચારેય વિસ્તારોમાં ઉદ્ધવના ધારાસભ્યોનો પ્રભાવ છે.
એવી પણ ચર્ચા છે કે, ઠાકરે બંધુઓ પોતાની એકતાનું જાહેર પ્રદર્શન કરવા માટે મુંબઈમાં ત્રણ સંયુક્ત રેલીને સંબોધી શકે છે. આ રેલીઓ દ્વારા બીએમસીની ચૂંટણીનો મુકાબલો ‘ઠાકરે વિરુદ્ધ મહાયુતિ’ હોવાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરાશે. રાજ ઠાકરે મુંબઈમાં જાેરદાર અને આક્રમક ભાષણ કરીને મરાઠી અસ્મિતાને ફરી કેન્દ્રમાં લાવવાનો પ્રયાસ કરશે. એવી પણ વિગતો સામે આવી છે કે, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે આગામી ૪૮ કલાકમાં બેઠક યોજશે અને બાકીની બેઠકોની વહેંચણી કરવાનો ઉકેલ લાવશે.




