
હવામાં ઉડતી ટેક્સીપ શહેરના ટ્રાફિક જામથી મુક્તિ.ભારતમાં શરૂ કરાયું પ્રથમ એર ટેક્સીનું ટેસ્ટિંગ.આકાશ તરફ નજર કરી છે હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે.દિવસેને દિવસે વધતા ટ્રાફિક જામને કારણે હવે તો બહાર નીકળનારા, ઓફિસ દરરોજ ટાઇમસર ન પહોંચી શકતા લોકો પણ કહી રહ્યા છે કે હવે ટ્રાફિકનું બસ થયુ. ટેક્સી, કેબ કે રિક્શો દરેક વાહન ટ્રાફિકની સમસ્યામાં ફસાય જ છે. દરરોજ રોડ પર ચાલતા અઢળક વાહનો અને ટ્રાફિકને કારણે રસ્તાઓ પણ થાકી ગયા છે. પરંતુ ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મેળવવા આવી ગઇ છે હવામાં ઉડતી ટેક્સી…
મળતી માહિતી પ્રમાણે એરોસ્પેસ સ્ટાર્ટઅપ સરલા એવિએશન એ હવે આકાશ તરફ નજર કરી છે. હવામાં ઉડતી ટેક્સીના સપના સાથે કંપનીએ પોતાના પ્રથમ એર ટેક્સી પ્રોગ્રામની ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ કરી છે.હમણાં સુધી ઉડાન એટલે માત્ર વિમાનો અને મોટા એરપોર્ટ્સની વાત હતી. પરંતુ જાે બધું યોજના મુજબ રહ્યું, તો આવતા કેટલાક વર્ષોમાં તમે હવામાં ઉડીને ઓફિસ પણ જઈ શકશો.
બેંગલુરુ સ્થિત મેન્યુફેક્ચરિંગ સુવિધામાં શરૂ થયેલું આ પરીક્ષણ માત્ર કંપની માટે જ નહીં, પરંતુ ભારતના ખાનગી એરોસ્પેસ ક્ષેત્ર માટે પણ એક ઐતિહાસિક માઈલસ્ટોન માનવામાં આવે છે. ૨૦૨૮ સુધી સ્થાનિક મુસાફરી માટે ઇલેક્ટ્રિક એર ટેક્સી લોન્ચ કરવાની યોજના સાથે સરલા એવિએશન હવે કોન્સેપ્ટમાંથી હકીકત તરફ ઝડપથી આગળ વધી રહી છે.ગ્રાઉન્ડ ટેસ્ટિંગ શરૂ થતાં જ સરલા એવિએશનનો એર ટેક્સી પ્રોગ્રામ તેના કોર વેલિડેશન ફેઝમાં પ્રવેશી ગયો છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ફેઝ ડિજિટલ કોન્સેપ્ટ અને લેબ-સ્કેલ પ્રયોગોથી આગળ વધી વાસ્તવિક એરક્રાફ્ટ-સ્કેલ ટેસ્ટિંગ તરફનું એક મોટું અને નિર્ણાયક પગલું છે.
સરલા એવિએશનનું ફ્લેગશિપ પ્રોગ્રામ એક ૬-સીટર ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી છે, જેને બેંગલુરુ, મુંબઈ, દિલ્લી અને પુણે જેવા અત્યંત ભીડભાડવાળા શહેરોમાં કમ્યુટ સમય ઘટાડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. ખાસ વાત એ છે કે ૨૦૨૪માં બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇલેક્ટ્રિક ફ્લાઇંગ ટેક્સી શરૂ કરવા માટે સરલા એવિએશન સાથે ભાગીદારી કરી હતી.
બન્ને સંસ્થાઓ વચ્ચે સસ્ટેનેબલ એર મોબિલિટી માટે એક સ્ટેટમેન્ટ ઑફ કોલેબોરેશન પર સહી કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને eVTOL એરક્રાફ્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ગ્રાઉન્ડ ટેસ્ટિંગની શરૂઆત સાથે હવે આ સપનું વધુ સ્પષ્ટ અને મજબૂત સ્વરૂપ લેતું દેખાઈ રહ્યું છે, જે આવનારા સમયમાં ભારતના શહેરી પરિવહનની વ્યાખ્યા બદલી શકે છે.




