
કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ સાથે જાેડાશે. સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ બાદ સુરતના બે પ્રોજેક્ટનું નામકરણ અટલ બિહારી વાજપેયી સાથે જાેડવા જઈ રહી છે.સુરતના બાયોડાયવર્સીટી પાર્ક અને કતારગામ ઓડિટોરીયમને ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નામ સાથે જાેડાશે
આવતીકાલે એટલે કે ૨૫ ડિસેમ્બરના રોજ ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના ૧૦૦માં જન્મ દિવસે સુરત પાલિકા દ્વારા શહેરના બે મહત્વના પ્રોજેક્ટ સાથે તેમનું નામ જાેડીને તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, દર વર્ષે સુરતમાં અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસે વિવિધ કાર્યક્રમ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે સુરત પાલિકા તેમના જન્મ દિવસના એક દિવસ બાદ સુરતના બે પ્રોજેક્ટનું નામકરણ અટલ બિહારી વાજપેયી સાથે જાેડવા જઈ રહી છે.
સુરતના પર્યાવરણની જાળવણી માટે પાલિકાની ડમ્પિંગ સાઈટ પર ૧૫૦ કરોડના ખર્ચે બાયોડાયવર્સીટી પાર્ક બનાવ્યો છે અને તેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું, સુરતમાંથી પસાર થતી કાંકરા ખાડીની બંને બાજુએ રહેલી પડતર જમીનને કાયાકલ્પ કરીને શહેરના ફેફસા તરીકે વિકસિત ‘વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક‘ પ્રોજેક્ટ સુરતના પર્યાવરણ માટે અતિ મહત્વનો છે. આ પ્રોજેક્ટમાં લગભગ ૪.૫ કિ.મી. લાંબી ખાડીની બંને બાજુ રહેલ ૫૦ હેક્ટર ખુલ્લી જગ્યામાં ૮૫ પ્રકારની જુદી-જુદી વનસ્પતિના ૫ લાખ જેટલા વૃક્ષોના વાવેતર કરવામા આવ્યું છે. આ ઉપરાંત ૧૭ કિ.મી.ના વોકિંગ ટ્રેક અને ૧૧ કિ.મી.ના સાયકલિંગ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને લોકાર્પણ કરેલા આ પ્રોજેક્ટ માટે હવે સુરત પાલિકા આ પ્રોજેક્ટના નામકરણ માટે કવાયત કરી રહી છે આ માટે આગામી સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવશે. આગામી સ્થાયી સમિતિમાં વાઈલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્કને “ભારત રત્ન, અટલ બિહારી વાજપેયી બાયોડાયવર્સિટી પાર્ક નામ આપવા માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે.
આ ઉપરાંત કતારગામ ખાતે ટીપી ૩૫માં એફપી ૧૩૦ પર ઓડિટોરીયમ બની રહ્યું છે તેનું લોકાર્પણ માટે કવાયત થઈ રહી છે તેની સાથે આ ઓડિટોરીયમને પણ ભારત રત્ન, અટલ બિહારી વાજપેયી ઓડિટોરીયમ નામ આપવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજુ કરવામાં આવી છે.




