
લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી.પાકિસ્તાનમાં કેદ માછીમારો મુદ્દે ઉનાના પરિવારોએ સરકારને અરીસો બતાવ્યો.મત લેવાના હોય ત્યારે સરકાર ગરીબોના ઘર સુધી લાંબી થાય છે તમને સત્તા પર બેસાડનારા અમે ગરીબો જ છીએ.ગીર સોમનાથના ઉના તાલુકાના પાલડી ગામના માછીમાર પરિવારો પોતાના સ્વજનોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા માટે ગાંધીનગર સુધી લાંબા થયા હતા. જાેકે, સરકારના વલણથી નારાજ એક મહિલા અરજદાર, લીલાબેને સચિવાલયના દરવાજે પોતાની હૈયાવરાળ ઠાલવી હતી.
પાલડી ગામના રહેવાસી લીલાબેને મીડિયા સમક્ષ રડતી આંખે જણાવ્યું હતું કે, “અમારા ગામના માછીમારો પાકિસ્તાનમાં પકડાયા છે. તે બાબતે રજૂઆત કરવા અમે ૨૦૦૦-૨૫૦૦ રૂપિયા ખર્ચીને અહીં ગાંધીનગર આવ્યા છીએ. પણ અહીં અમારા જેવા ગરીબ લોકોનું કોઈ સાંભળતું નથી. મોટા માણસો અને નેતાઓને સાહેબોને મળવાનો સમય મળે છે, પણ અમને ઓફિસમાં પ્રવેશવા પણ દેવામાં આવતા નથી.
સરકાર સામે સીધો સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે મત લેવાના હોય ત્યારે સરકાર ગરીબોના ઘર સુધી લાંબી થાય છે. તમને સત્તા પર બેસાડનારા અમે ગરીબો જ છીએ. જિલ્લા કક્ષાએ અમારી કોઈ સુનાવણી ન થઈ એટલે અમે છેક ગાંધીનગર આવ્યા, છતાં અહીં પણ કોઈ સાંભળતું નથી. ત્યાં પાકિસ્તાનમાં અમારા માછીમારો જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.‘
લીલાબેને વધુમાં જણાવ્યું હતું કે, અમે જીતુ વાઘાણીને મળ્યા હતા. તેમણે માત્ર આશ્વાસન આપ્યું કે તેઓ આ બાબતને ધ્યાનમાં લેશે અને પછી અમને રવાના કરી દીધા. અમે આવેદનપત્ર આપી દીધું છે, હવે સરકાર ઈચ્છે તો ઉકેલ લાવે. પણ અમે આ લડાઈ લડવા માટે મક્કમ છીએ. આ ઘટનાએ ફરી એકવાર સચિવાલયમાં સામાન્ય જનતા અને ખાસ કરીને છેવાડાના માનવીની રજૂઆતો સાંભળવામાં આવતી ઉદાસીનતા પર સવાલો ઉભા કર્યા છે.




