
રાષ્ટ્રપતિના હસ્તે સન્માનિત.પિતાને મગરથી બચાવનારા સાહસી દીકરાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર.તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો, તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો.અજય રાજના સાહસને સલામ છે, જેણે પોતાના પિતાને મગરથી બચાવ્યા. તે જાણતો હતો કે મગર તેના કરતા ખૂબ શક્તિશાળી છે. ચંબલ નદીમાં મગર તેને અને તેના પિતાને આંખના પલકારામાં ગળી શકતો હતો. પરંતુ તેણે સાહસની સાથે ચતુરાઈનો પણ પરિચય આપ્યો. તેણે લાકડીથી મગરને પહેલા મોંમાં અને પછી બંને આંખોમાં ૧૨થી ૧૫ વાર માર્યો.
અજયના આ સાહસ માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં તેને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર-૨૦૨૫ (સાહસ શ્રેણી)થી સન્માનિત કર્યો. અજયને આ પુરસ્કાર ૨૫ જુલાઈના રોજ મગરના હુમલાથી પોતાના પિતાનો જીવ બચાવવા બદલ મળ્યો. આ પુરસ્કારમાં મેડલ, પ્રશસ્તિપત્ર અને એક લાખ રૂપિયા સામેલ છે. બીજી તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અજયને પુરસ્કાર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. ઝરણાપુરા, બસૌની બાહનો રહેવાસી વીરભાન ઉર્ફે બન્ટુ ૨૫ જુલાઈ, ૨૦૨૫ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે ચંબલ નદી કિનારે બકરીઓ ચરાવી રહ્યો હતો. તેનો ૧૦ વર્ષનો પુત્ર અજય રાજ પણ તેમની સાથે હતો. વીરભાન પાણીની બોટલ ભરવા માટે નદીમાં ગયો. આ દરમિયાન એક મગરે વીરભાનનો જમણો પગ પકડી લીધો અને તેને ઊંડા પાણી તરફ ખેંચવા લાગ્યો. પિતાનો અવાજ સાંભળીને અજયરાજ લાકડી લઈને નદીમાં કૂદી પડ્યો. પહેલા તેણે લાકડીથી મગરના મોંમાં દસ વાર ફટકા માર્યા. પરંતુ જ્યારે મગરની પકડ ઢીલી ન પડી ત્યારે અજયે પોતાની ચતુરાઈ દેખાડી અને તેની આંખોને નિશાન બનાવીને પાંચ વાર માર માર્યો. આંખો પર થયેલા હુમલાથી મગર ગભરાઈ ગયો અને પગ છોડીને ભાગી ગયો.
અજયે પોતાના પિતાને ટેકો આપ્યો અને નદીમાંથી બહાર નીકળ્યા. અજયના આ સાહસની ખૂબ પ્રશંસા થઈ. જિલ્લા વહીવટીતંત્રએ ઓગસ્ટમાં અજયનું નામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર માટે મોકલ્યું. પોર્ટલ પર ભરેલી અરજીની ચકાસણી કરવામાં આવી અને ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શુક્રવારે નવી દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં અજય રાજનું સન્માન કર્યું. અજયના સાહસની કહાની પણ સંભળાવવામાં આવી. અજયે જણાવ્યું કે, તે માત્ર પોતાના પિતાને બચાવવા માગતો હતો. પિતાને બચાવવા માટે જે કરી શકતો હતો તે બધું જ કર્યું. તેણે મગરની આંખમાં લાકડીઓ મારી. આંખમાં ઈજા થતાં મગર ભાગી ગયો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અજયને સાહસિક કાર્ય માટે અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે, ‘તેણે અદમ્ય સાહસ, બુદ્ધિ અને અદ્ભૂત ધીરજનું પ્રદર્શન કર્યું છે. સમગ્ર ઉત્તર પ્રદેશ રાજ્યને આ નાના યોદ્ધા પર ગર્વ છે. તેમનું સાહસ દેશભરના બાળકો માટે પ્રેરણા છે.‘ સીએમએ તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પણ પાઠવી.
અજય રાજ કુંવરખેડા પ્રાથમિક શાળામાં ચોથા ધોરણનો વિદ્યાર્થી છે. અજયને પુરસ્કાર મળ્યા બાદ ગામમાં જશ્નનો માહોલ છે. પુરસ્કાર મળ્યા બાદ અજય અને વીરભાનને અભિનંદન આપવા માટે લોકો પહોંચી રહ્યા છે. અજયની માતા આરતી દેવીનું છ વર્ષ પહેલાં બીમારીને કારણે નિધન થઈ ગયુ હતું. અજયને એક મોટી બહેન કાજલ અને એક નાનો ભાઈ કુશાલ છે. ભાઈ-બહેનોને અજયના સાહસિક કાર્ય પર ગર્વ છે.




