
પરિવાર જ બન્યો દુશ્મન અમદાવાદમાં ધો.૧૧ના વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ૧૭ વર્ષીય સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધી હતો. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આપઘાત બાદ પોલીસે તપાસ કરતા બેડ નીચેથી ત્રણ પાનાની અંગ્રેજીમાં લખાયેલી સુસાઇડ નોટ મળી છે. જેના આધારે પોલીસે મૃતક સગીરના પિતા સહિત દાદા-દાદી અને ફોઈ સહિત ૪ સભ્યો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે રાણીપમાં રહેતા ૪૫ વર્ષીય હેતલબેન બારોટે પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેઓ પોતાના પતિ સમીરભાઈ, ૧૭ વર્ષના દીકરા આરવ અને ૫ વર્ષની દીકરી સાથે રહેતા હતા. તેમના જણાવ્યા મુજબ, તેમના દીકરા આરવે સતત માનસિક ત્રાસથી કંટાળી આપઘાત કર્યો હતો. હેતલબેનના પતિ સમીરભાઈ વારંવાર દારૂ પી આવીને પત્ની અને દીકરાને મારઝૂડ કરતા હતા. આ બાબતે જ્યારે દીકરો આરવ તેના દાદા-દાદી અને ફોઈને જાણ કરતો, ત્યારે તેઓએ પણ મદદ કરવાની જગ્યાએ તમે બંને મરી જાવ તો સારું જેવા શબ્દોથી વધુ માનસિક ત્રાસ આપ્યો હતો. એક વખત તો પિતા સ્કૂલ બહાર ચપ્પુ લઈને દીકરાને મારવા ગયા હતા, જેના કારણે આરવ સતત ડર અને ટેન્શનમાં રહેતો હતો.
આ ઘટના પહેલાં, ગત નવમી માર્ચે હેતલબેન તેમની દીકરી સાથે નરોડા ખાતે બહેનના ઘરે ગયા હતા, જ્યારે આરવ ટ્યુશનને કારણે રાણીપના ઘરે એકલો રહ્યો હતો. ૧૧મી માર્ચે સવારે આરવે માતાને ફોન કરીને જણાવ્યું કે તે રાત્રે અભ્યાસ કરીને થાક્યો હોવાથી સુઈ રહ્યો છે. બપોરે ફોન ન ઉઠાવતા પાડોશીઓને જાણ કરવામાં આવી. પાડોશીઓએ બારી ખોલીને જાેતા આરવ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન બેડ નીચેથી મળી આવેલી સુસાઇડ નોટમાં આરવે સ્પષ્ટ લખ્યું હતું કે, ‘મારા પિતા, દાદા, દાદી અને ફોઈના સતત માનસિક ત્રાસથી કંટાળી ગયો છું, આ કારણે આકરો પગલું ભર્યું છે.‘ હાલ પોલીસે સંબંધિત ચારેય વ્યક્તિઓ સામે આપઘાતને પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.




