
દાહોદમાં ફૂડ લવર્સ માટે ચેતવણી.જાણીતી બ્રાન્ડ લાપિનોઝના પિઝામાંથી જીવતી ઈયળ નીકળી.બ્રાન્ડના નામે ઉંચી કિંમત વસૂલતા આઉટલેટ્સ દ્વારા રાખવામાં આવતી આવી અસ્વચ્છતા સામે અનેક સવાલો ઉભા થયા છે.દાહોદ શહેરમાં જાણીતી પિઝા બ્રાન્ડ ‘લાપિનોઝ‘ માં જમવા ગયેલા એક ગ્રાહકને અત્યંત કડવો અને આઘાતજનક અનુભવ થયો છે. ગ્રાહકે જ્યારે ખાવા માટે પિઝા ઓર્ડર કર્યા, ત્યારે પિઝાના ટુકડા પર જીવતી ઈયળ જાેવા મળી હતી. ગ્રાહકે આ ગંદકી અને બેદરકારીનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં પિઝાના ટોપિંગ્સ વચ્ચે ઈયળ ફરતી સ્પષ્ટ દેખાતી હતી, જેના કારણે પિઝાના શોખીનોમાં ભારે રોષ અને ફફડાટ ફેલાયો છે. બ્રાન્ડના નામે ઉંચી કિંમત વસૂલતા આઉટલેટ્સ દ્વારા રાખવામાં આવતી આવી અસ્વચ્છતા સામે અનેક સવાલો ઉભા થયા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થતાં દાહોદ નગરપાલિકાનું આરોગ્ય તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. પાલિકાની ફૂડ સેફ્ટી ટીમે લાપિનોઝ પિઝાના આઉટલેટ પર તપાસ હાથ ધરી હતી અને સ્થળ પરથી પિઝાના લોટ તેમજ અન્ય સામગ્રીના નમૂના લીધા હતા. પાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ આઉટલેટ વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર કોઈ પણ એકમ સામે લાલ આંખ કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.




