
ઓપરેશન સિંદુર બાદ ત્રાસવાદીઓ દ્વારા કોઇ હુમલો કરાયો નથી ૨૦૨૬માં ભારત-પાક.વચ્ચે ફરી યુદ્ધની શક્યતા : યુએસ થિંક ટેંક ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન નામની થિન્ક ટેન્કે વિવિધ દેશોની વિદેશ નીતિના નિષ્ણાતોના સર્વે બાદ જારી કરેલા અહેવાલમાં ચેતવણી
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલાં ગંભીર મતભેદોના પગલે બંને દેશો વચ્ચે ૨૦૨૬ની સાલમાં યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા જણાય છે એમ અમેરિકાની એક થિંક ટેંક દ્વારા ચેતવણી ઉચ્ચારવામાં આવી હતી આ સંસ્થાએ વિશ્વના વિવિધ વિદેશ નીતિના નિષ્ણાતોનો સર્વે કરીને રિપોર્ટ તૈયાર કર્યાે હતો. ધ કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન (સીએફઆર) નામની આ થિંક ટેંકે બંને દેશો વચ્ચેના યુદ્ધની શક્યતાને મધ્યમ ગણાવી હતી, અને તેના થકી અમેરિકા ઉપર પણ મધ્યમ અસર પડી શકવાની વાત કરી હતી.બંને દેશો વચ્ચે સરહદે વધી ગયેલી ઉશ્કેરણીજનક પ્રવૃત્તિઓના પગલે તેઓ વચ્ચે એક મધ્યમકદનું યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા રહેલી છે એમ સીએફઆર સંસ્થાએ તેના ‘કોન્ફ્લિક્ટ ટુ વોચ’ શીર્ષક ધરાવતા અહેવાલમાં નોંધ કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગત મે મહિનામાં ચાર દિવસનું યુદ્ધ ફાટી નીકળ્યું હતું જેમાં બંને દેશો વચ્ચે શ્રેણીબદ્ધ મિસાઇલ અને ડ્રોન હુમલા થયા હતા.ઉલ્લેખનીય છે કે કાશ્મીરના પહેલગાંવ ખાતે પાકિસ્તાન સ્થિત કેટલાંક ત્રાસવાદીઓએ હુમલો કરીને નિર્દાેષ ૨૨ સહેલાણીઓની હત્યા કરી નાંખી હતી જેનો બદલો લેવા ભારતે ઓપરેશન સિંદુર હાથ ધરીને પાકિસ્તાનની ધરતી ઉપર ધમધમી રહેલા ત્રાસવાદીઓના કેમ્પ ઉપર ભીષણ બોંબ વર્ષા કરી હતી અને પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ગણાતા કેટલાંક એરબેઝનો કચ્ચરઘાણ કાઢી નાંખ્યો હતો. ભારતના ભીષણ હુમલાથી હચમચી ગયેલાં પાકિસ્તાને ચાર દિવસ બાદ યુદ્ધવિરામની વિનંતી કરી હતી અને બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ પણ થઇ ગયો હતો તેમ છતાં પાકિસ્તાનના નેતાઓ અને લશ્કરી અધિકારીઓ તરફથી ઉશ્કેરણીજનક નિવેદનો કરવાની પ્રવૃત્તિ ચાલુ રહેવા પામી છે.ઓપરેશન સિંદુર બાદ ત્રાસવાદીઓ દ્વારા કોઇ હુમલો કરાયો નથી, તેમ છતાં ભારતીય જાસૂસી સંસ્થાના અહેવાલોમાં દાવો કરાયો છે કે હજું જમ્મુ-કાશ્મીરના પહાડી પ્રદેશોમાં ૩૦ ત્રાસવાદીઓ સક્રિય રીતે પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.




