
મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી.અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ નહીં ભરનાર સામે AMC ની કાર્યવાહી.૫.૯૭ કરોડની ૧૬ મિલકતોની હરાજી કરી રૂ. ૧ ના ટોકન ભાવે કબજાે મેળવ્યો.અમદાવાદ શહેરમાં લાંબા સમયથી પ્રોપર્ટી ટેક્સ ભરવામાં આનાકાની કરતા મિલકતધારકો સામે મ્યુનિસિપલ કોર્પોરેશને કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના ઉત્તર અને મધ્ય ઝોનની કુલ ૧૬ મિલકતોની હરાજી કર્યા બાદ, કોઈ ખરીદનાર ન મળતા અંતે કોર્પોરેશને માત્ર રૂ. ૧ ના ટોકન ભાવે આ તમામ મિલકતો પોતાના હસ્તક કરી લીધી છે.
આ કાર્યવાહી અંતર્ગત લાંબા સમયથી બાકી રહેલી પ્રોપર્ટી ટેક્સની રકમ ચૂકવવામાં નિષ્ફળ રહેલી મિલકતો સામે હરાજીની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે, જેના માધ્યમથી ટેક્સ વસૂલાત અને નાગરિક જવાબદારી બંનેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદનના ઉત્તર ઝોન અને મધ્ય ઝોનનાં પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા બાકી પ્રોપર્ટી ટેક્સ વસૂલાતના ભાગરૂપે વિવિધ મિલકતો સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ અનુસંધાને જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં ઉત્તર અને મધ્ય ઝોનનાં કેટલાંક વિસ્તારોમાં આવતી મિલકતોમાં આજદિન સુધી હરાજીની પ્રક્રિયા પૂર્ણ કરાઇ હતી.
કયા ઝોનમાં કેટલી મિલકતો જપ્ત કરાઈ? AMC દ્વારા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમાં મુખ્યત્વે બે ઝોન પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું:
ઉત્તર ઝોન: મેઘાણીનગર, નરોડા રોડ, કુબેરનગર અને સરસપુર સહિતના વિસ્તારોની ૧૦ મિલકતો. (બાકી ટેક્સ: આશરે રૂ. ૬૨.૪૫ લાખ)
મધ્ય ઝોન: ઘી-કાંટા, શાહીબાગ, દરિયાપુર અને ચામુંડા બ્રિજ વિસ્તારની ૬ મિલકતો. (બાકી ટેક્સ: આશરે રૂ. ૧.૮૯ કરોડ)કેમ લેવાયો આ કડક ર્નિણય?
કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, આ મિલકતધારકોને વારંવાર નોટિસ અને અંતિમ રિમાઇન્ડર આપવામાં આવ્યા હતા. તેમ છતાં ટેક્સની ભરપાઈ ન થતા AMC એક્ટ-૧૯૪૯ની કલમ ૪૨, ૪૩ અને ૪૫(૧) મુજબ જપ્તી અને હરાજીની કાર્યવાહી કરવામાં આવી હતી. અખબારોમાં જાહેર નોટિસ આપવા છતાં હરાજીમાં કોઈ બોલી લગાવનાર ન આવતા, કાયદાકીય જાેગવાઈ મુજબ આ મિલકતો હવે AMC ના નામે કરી દેવામાં આવી છે.
કુલ ૫.૯૭ કરોડની કિંમતની મિલકતો હવે કોર્પોરેશનની મધ્ય ઝોનની જે ૬ મિલકતો જપ્ત કરાઈ છે, તેનું સરકારી વેલ્યુએશન રૂ. ૫.૯૭ કરોડ જેટલું થવા જાય છે. ટેક્સ કલેક્ટર અને લીગલ ઓફિસરની હાજરીમાં આ તમામ મિલકતોના દસ્તાવેજાે AMC હસ્તક લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.
AMC ની ચેતવણી:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ મિલકત માલિકો અને કબજેદારોને પોતાની બાકી પ્રોપર્ટી ટેક્સની રકમ સમયસર ચૂકવવા અપીલ કરવામાં આવી છે. કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં અન્ય ઝોનમાં પણ આવી જ હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.




