વોર્ડ નંબર ૫માં સૌથી ઓછું મતદાન નોંધાયું ગાંધીનગર મનપા ચૂંટણીમાં ઐતિહાસિક ૫૯.૨૫ ટકા મતદાન કુલ ૨,૫૯,૯૮૫ મતદારોમાંથી ૧,૫૪,૦૪૫ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં આ વખતે મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહાનગરપાલિકાનું ઐતિહાસિક ૫૯.૨૫ ટકા મતદાન નોંધાયું હોવાની માહિતી સામે આવી છે. ચૂંટણી દરમિયાન સાંજે ૬ વાગ્યા સુધીમાં કુલ ૨,૫૯,૯૮૫ મતદારોમાંથી ૧,૫૪,૦૪૫ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. વોર્ડ પ્રમાણે મતદાનની ટકાવારીમાં મોટો તફાવત જાેવા મળ્યો હતો. જેમાં વોર્ડ નંબર ૪ સૌથી આગળ રહ્યો હતો, જ્યારે વોર્ડ નંબર ૫માં સૌથી ઓછું મતદાન નોંધાયું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર ૪માં સૌથી વધુ ૭૪.૭૮ ટકા મતદાન નોંધાયું હતું. આ ઉપરાંત વોર્ડ નંબર ૧માં ૭૧.૨૨ ટકા અને વોર્ડ નંબર ૨માં ૬૯.૭૦ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. વોર્ડ નંબર ૭માં ૬૬.૩૭ ટકા તથા વોર્ડ નંબર ૬માં ૬૧.૯૮ ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે વોર્ડ નંબર ૩માં ૫૯.૨૬ ટકા મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બીજી તરફ, વોર્ડ નંબર ૫માં સૌથી ઓછું ૪૮.૬૩ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર ૧૦માં ૫૦.૮૦ ટકા મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે વોર્ડ નંબર ૯માં ૫૧.૫૪ ટકા અને વોર્ડ નંબર ૮માં ૫૧.૮૮ ટકા મતદાન નોંધાયું હતું. વોર્ડ નંબર ૧૧માં કુલ ૫૭.૬૯ ટકા મતદારોએ મતદાન કર્યું હતું.
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ ૫૯.૨૫ ટકા મતદાન નોંધાતાં નવો રેકોર્ડ સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. વોર્ડ પ્રમાણે મતદાનના આંકડા જાેતા કેટલાક વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ વધુ જાેવા મળ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં મતદાનની ટકાવારી પ્રમાણમાં ઓછી રહી હતી.
હવે બધાની નજર ૧૩ ઓક્ટોબરના રોજ થનારી મતગણતરી પર ટકેલી છે. ૧૩ ઓક્ટોબરના રોજ સવારે મતગણતરીનો પ્રારંભ થશે અને ગાંધીનગર મહાનગરપાલિકામાં કોનો ગઢ જળવાઈ રહેશે તથા કોના શિરે મેયરનો તાજ સજશે તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.




