
સિવિલમાં દરરોજ મોંઢાના કેન્સરના ૫ાંચ દર્દીની એન્ટ્રી!
પુરુષોમાં મોંઢાના કેન્સરના કેસ એક વર્ષમાં ૧૦% વધ્યાં સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા ૨૦૨૧માં ૧૮૧૩ હતી, તે ૨૦૨૫માં વધીને ૬૩૩૩ થઈ છે
સિગારેટ, પાન-મસાલાનું સેવન સ્વાસ્થ્ય માટે ઝેર સમાન હોવા છતાં તેનું સેવન કરનારાના પ્રમાણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલી કેન્સર હોસ્પિટલમાં એક વર્ષમાં મોંઢાના કેન્સરના ૨૩૫૨ દર્દી નોંધાયા છે. જેમાં ૧૯૩૧ પુરુષ અને ૪૨૧ મહિલા દર્દીનો સમાવેશ થાય છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં કેન્સરના દર વર્ષે નોંધાતા દર્દીમાંથી ૧૯ ટકા માત્ર મોંઢાના કેન્સરને લગતા હોય છે. દર વર્ષે ચોથી ફેબ્રુરઆરીની ઉજવણી ‘કેન્સર દિવસ તરીકે કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૫માં સિવિલની કેન્સર હોસ્પિટલમાં ૨૩,૮૧૦થી વધુ નવા કેન્સરના દર્દીઓનું રજિસ્ટ્રેશન થયું હતું. જેમાંથી ૯૧૪૭ દર્દીઓ ગુજરાત બહારના રાજ્યોમાંથી આવ્યા હતા. તેમાં સૌથી વધુ દર્દીઓ મધ્ય પ્રદેશના ૪,૫૭૨, રાજસ્થાનના ૨૬૭૮, ઉત્તર પ્રદેશના ૧૦૯૪, મહારાષ્ટ્રના ૨૭૯ અને બિહારના ૨૮૮ દર્દી હતા. છેલ્લા ૬ મહિનામાં જ સિવિલની કેન્સર હોસ્પિટલમાં રેકોર્ડ ૫૦ રોબોટિક આસિસ્ટેડ કેન્સર સર્જરીઓ થઈ છે, તેમજ ગત ૩ વર્ષાેમાં કેન્સર સંબંધિત ૪૦ હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી પ્રોસીજર્સ પણ સફળતાપૂર્વક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હાઇપરથત્ત્મક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી એક એવી જટિલ પ્રક્રિયા છે, જે પેટની અંદર ફેલાયેલા કેન્સર માટે ઉપયોગી છે, અને હવે આ ટેક્નોલોજી દર્દીઓ માટે સિવિલની કેન્સર હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. સિવિલની કેન્સર હોસ્પિટલમાં પેટ-સિટી સ્કેનની સંખ્યા ૨૦૨૧માં ૧૮૧૩ હતી, તે ૨૦૨૫માં વધીને ૬૩૩૩ થઈ છે.




